- અમદાવાદ સહિત 8 મહાપાલિકાની 16 ટીમો ભાગ લેશે
- ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટના યજમાન પદે રહેશે
- મેયર અને કમિશનરની ટીમો વચ્ચે મુકાબલો ખેલાશે
ભાવનગરઃ મ્યુનિ.કોર્પોરેશનના યજમાનપદે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 6થી 10 જાન્યુઆરી સુધી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. દર વર્ષે ગુજરાતના અલગ- અલગ મહાનગરોમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાય છે. આ વર્ષે ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનને ક્રિકેટ ટુર્નામેન્ટનું યજમાન પદ મળ્યું છે. જેમાં ગુજરાતની 8 મ્યુનિ.કોર્પોરેશનની મેયર ઇલેવન ટીમ અને કમિશનર ઇલેવન ટીમ ભાગ લેશે ,જેને પગલે ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ અંગે ભાવનગર મ્યુનિના મેયર ભરત બારડે જણાવ્યું હતું કે ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગુજરાત રાજ્યની 8 મ્યુનિ.કોર્પોરેશન વચ્ચે 6થી 10 જાન્યુઆરી સુધી ટુર્નામેન્ટસ યોજાશે તેમાં 8 મહાનગરની મેયર ઇલેવન અને કમિશનર ઇલેવન એવી રીતે કુલ 16 ટીમોનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટ ભાવનગરમાં સરભાવસિંહજી ક્રિકેટ ક્લબ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ અને જરૂર જણાશે તો રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડનો ઉપયોગ કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, દરેક ખેલાડીઓને સંપૂર્ણ સગવડતા સાથે મ્યુનિ. દ્વારા તેમને તમામ સગવડ પુરી પાડવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, તેમજ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયાને અને ભાવનગરના ધારાસભ્યોને આમંત્રણ પાઠવામાં આવશે.


