
જન્મથી બાળક તેનું અલગ વ્યક્તિત્વ સાથે લઈને જ આવ્યો હોય છે
- માતા પિતાએ એને ખિલવાનો અવસર આપવાનો હોય છે
આજનું બાળક આવતી કાલનુ ભવિષ્ય છે. સંસ્કૃતિ અને સંસ્કાર વહન કરનારું સૌથી મોટુ અંગ છે. જ્યારે બાળકને સંસ્કારિતા વહન કરવાનુ વાહક કહેવામાં આવે છે ત્યારે એક સહજ પ્રશ્ન એ થાય કે શું બાળકના એકલાના માથે આ જવાબદારી છે ? માત્ર બાળક નહીં પરંતુ એને ઉછેર કરનારા માતાપિતાના માથે આની વિષેશ જવાબદારી છે. કનૈયાલાલ મુનશી કહેતા કે, જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ ! સંસ્કાર અને સંસ્કૃતિની આ તાકાતને સમજવી પડે. માતા પિતા અને બાળકો વચ્ચેના મૂલ્યવાન સંબંધો માટે શું ધ્યાનમાં રાખવું જોઇએ એ દિશામાં સજાગ પ્રયાસો થાય તો આજનું બાળક સંસ્કૃતિની સાચી ધરોહર બની શકે.
એક વાત સ્પષ્ટ છે કે, દરેક બાળક અજોડ છે. જન્મથી એ તેનું અલગ વ્યક્તિત્વ સાથે લઈને જ આવ્યો હોય છે. માતા પિતાએ આ વ્યક્તિત્વને ખિલવાનો અવસર આપવાનો હોય છે. એને કેળવવાનું હોય છે. સંતરાના એક બીજમાંથી સંતરાનું વૃક્ષ અને સફરજનના બીજમાંથી સફરજનનું વૃક્ષ થશે. બીજમાં પડેલી તાકાત જ વૃક્ષ બનાવે છે. એવુ જ એક બાળકની બાબતમાં પણ છે. બાળક જન્મતાની સાથે જ કર્મનું બીજ લઈને આવેલું હોય છે. સૌથી પહેલાં વ્યક્તિએ પોતાની જાતને અને બાળકને કોઇ પણ શરતો વગર પ્રેમ કરવાની વાત અમલમાં મુકવા જેવી છે. જેમ આપણે ફૂલની પ્રશંસા કરીએ છીએ અને કાંટાને અવગણીએ છીએ એમ બાળકની સારી બાબતોને હદયપૂર્વક પ્રોત્સાહન આપવાની જરૂર છે. પણ હા, જ્યારે અયોગ્ય અને અણછાજતી કાંટા જેવી બાબતો બને ત્યારે તેને અવશ્ય અવગણવી જોઇએ. આનાથી બાળકની સારી બાબતો ખીલી શકે છે.અને ખરાબ બાબતો આપોઆપ દૂર થવા લાગે છે.

જરુર છે બાળક માટે સમય લઇને બાળકની અંદર પડેલી સારી બાબતોની પ્રશંસા કરવાની. એકવાર તમારી આંખો બંધ કરીને તેના હાસ્ય, સ્વભાવ, અદભૂત કાર્યો વગેરે ઉપર વિચાર કરી જુઓ. એક આંખમાં પ્રેમ અને બીજી આંખમાં સખતાઇ રાખી તટસ્થ દ્રષ્ટિકોણ અપનાવવાનો પ્રયત્ન સારા પરિણામો આપશે. સખતાઇનો અર્થ ગુસ્સો નહીં, અમુક ખાસ સંજોગોમાં જ તાપ લાગે એવો વ્યવહાર અભિપ્રેત છે. અવાજમાં દ્રઢતા સાથે નાટકીય રીતે ઠપકો જરૂર આપવો જોઇએ પરંતુ ચહેરા ઉપરના હાવભાવને સદાય પ્રેમાળ રાખવા જોઇએ. અમુક કિસ્સામાં માતા પિતા વધુ પડતી સત્તા જમાવવાનો પ્રયાસ કરતાં હોય છે અને હંમેશા બાળકોને સૂચનો અને નિયમોમાં બાંધી રાખવાની કોષિશ કરતા હોય છે. એવા પણ માતા પિતા હોય છે કે, જે હંમેશા બાળકને ખુશ રાખવા તેમનું બિનજરૂરી ખોટુ રક્ષણ કર્યા કરતા હોય છે. વધુ પડતી કાળજી બાળકના વિકાસને રૂંધી નાખશે. માતા પિતા અને બાળકના મજબૂત સંબંધો માટે કંટ્રોલ્ડ બિહેવિયર મહત્વની બાબત છે.
બાળક જ્યારે અભદ્ર શબ્દો બોલે અને અનાદર કરે ત્યારે તમે પણ તેની સાથે એવી જ વર્તણૂંક કરશો તો એનાથી બાળકમાં બળવાખોર વૃત્તિ પેદા થઇ જશે. બાળકના અસભ્ય વર્તન પાછળ શું કારણ છે તેના ઉપર વિચાર કરવો જરૂરી છે. બાળકને સારા વિચારો આપીની એને વાળી શકાય છે. વર્તન તમારી સમજણનું જ પરિણામ છે. જ્યારે પરિસ્થિતિ ઠંડી પડી જાય ત્યારે તમારા બાળકની બાજૂમાં બેસો અને શાંતિથી અને પ્રેમપૂર્વક વાતને સમજાવવાનો પ્રયત્ન કરી જુઓ. જો બાળકના મિત્ર બની જવામાં આવે તો એના પ્રભાવક પરિણામો મળે છે. પરંતુ જો માતા પિતા તરીકેની સત્તા જમાવવા ગયા, તો બાળકને ગુમાવવાનું ભરપુર જોખમ રહેલું છે.
રોજ બરોજના વ્યવહારમાં બાળક સાથેના વર્તનના કેટલાક વ્યવહારૂ દ્રષ્ટાંતો સમજવા જેવા હોય છે. બાળકના પ્રેમને અને વિશ્વાસને જીતવા માટે પહેલા તો બાળકને સાંભળો અને તેની સાથે સંમત થતા હોવ તો કશુંક સકારાત્મક જરૂર કહો અથવા મૌન રહો. કોઇ તારણ ઉપર ન આવી જવુ જોઇએ. રોજબરોજની વાતચીતમાં બાળકનો વિરોધ કરવામાં સાર નથી. બીજુ બાળકો સાથે કઈ રીતે વાતો કરવી એ પણ કલા છે. સમજણ સાથે પ્રેમ અને શાંતિથી વાતચીત કરવી જોઇએ. માત્ર બહુ થોડા શબ્દો જ ઉપયોગમાં લેવાય અને વાતમાં મઝા પણ આવે એવી પરિસ્થિતિનું નિર્માણ જરૂરી છે. આના પરિણામો તરત જ જોવા નહિ મળી શકે. આ ગુરૂચાવીનો એક મહિના સુધી સતત ઉપયોગ કરીને પછી તેનું પરિણામ જૂઓ.
બાળક સાથે મિત્રોની જેમ સમય પસાર કરવાના બન્ને પક્ષે ફાયદા છે. એક તો માતા પિતાને સરસ મિત્ર મળે છે અને બાળકને એની લાગણી અભિવ્યક્ત કરવા માટેનો માર્ગ પ્રાપ્ત થાય છે. થોડુંક ઘરકામ બાળક પાસે કરાવવાની કેળવણી આપવી જોઇએ. આનાથી બાળમાનસ ઉપર કાનુ મુલ્ય ઉભું થશે. બાળકના મનમાં માલિકીની ભાવના પ્રગટ થશે. કામ કરતા બાળકને નિષ્ફળ થવા દો. વસ્તુઓ થોડી બગડવા પણ દો. તેમાંથી જ એને અનુભવનું મોટુ ભાથુ મળી શકશે. બાળકની સાથે મુક્તમને હસો. બાળકને જેમાં રસ હોય તેમાં માતા પિતા રસ દર્શાર્વે છે ત્યારે ખુબ સરસ વાતાવરણનો પરિધ રચાય છે.
બાળક સાથે મિત્ર તરીકે વર્તન માટે એને ગમતી રમત રમવાથી માંડીને વીડીયો ગેમ્સ વિશેની વાતો, સાથે જમવાથી માંડીને વાર્તાઓ અને બાળપણના તમારા અનુભવો વગેરે પ્રકારની વર્તણૂક બાળકના મનમાં વિશ્વાસનુ વાતાવરણ ખડૂ કરે છે. ક્યારેક કોઇ કામ ન થાય અને ઘરમાં બગાડ થાય ત્યારે માતા પિતા બાળક ઉપર ક્રોધમાં ગમેતેવા શબ્દો કહે છે. પરંતુ સૌથી અગત્યની વાત તો એ છે કે, આના પરિણામે બાળમાનસમાં જાણે અજાણે ગુનાનો ભાવ જનમશે. ગુનાહિત ભાવ દુષ્કર પરિણામો લાવે છે. પગમાં દોરી ગૂંચવાઈ હોય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે શાંતિથી ઊભા રહેવું જોઈએ. જીવનમાં પણ સમસ્યાઓ ઊભી થાય ત્યારે શાંતિ, સમતા અને શ્રદ્ધાના આસન પર બેસતાં આવડી જાય તો જ જલ્દી ઉકેલ મળે.
(પુલક ત્રિવેદી)