
પાટણ જિલ્લાની કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થિનીને સાથે ભણતા વિદ્યાર્થીએ બ્લેડના ઘા માર્યા
- વિદ્યાર્થિનીને ત્રણ વિદ્યાર્થીઓએ પજવણી કરી પરેશાન કરી,
- વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડાઈ,
- વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને હાથમાં બ્લેડથી ચેકા મારીને લાઈટરથી ડામ દીધા
પાટણઃ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં આજકાલ માબાઈલ ફોન અને સોશિયલ મીડિયાના વધુ પડતા વલગણના કારણે તેમના સ્વભાવમાં પરિવર્તિન જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ નજીવી બાબતે પોતાના સહાધ્યાયી સાથે હુમલો કરી બેસતા હોય છે. અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટના બાદ સુરત અને અન્ય શહેરોમાં પણ હુમલાના બનાવો બન્યા હતા. ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ચોરમારપુરાની કેન્દ્રિય વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર તેના જ વર્ગના ત્રણ વિદ્યાર્થીઓએ શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. સહપાઠીઓ દ્વારા સતત ચાલતી પજવણી અને ક્રૂરતાથી કંટાળીને વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનાએ શાળાના સંચાલન અને શિક્ષકોની જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આ બનાવની વિગત એવી છે કે, પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીને તેના ક્લાસનો જ એક વિદ્યાર્થી વાત કરવા બાબતે છેલ્લા ચાર માસથી પરેશાન કરતો હતો. ત્યારે મંગળવારે બે વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીને પકડી રાખી હતી જ્યારે પરેશાન કરનારા વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીના હાથમાં બ્લેડથી ચેકા મારી અને લાઈટરથી ડામ આપ્યાં હતા. આ ઘટનાથી ગભરાઈને વિદ્યાર્થિનીએ ઘરે જઈને ઝેરી પ્રવાહી પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. બીજી તરફ વિદ્યાર્થિનીના પિતાએ શાળા પર ગંભીર આક્ષેપ કર્યાં છે.
આ અંગે વિદ્યાર્થિનીના પરિવારજનોના કહેવા મુજબ વિદ્યાર્થિનીના ક્લાસમાં જ અભ્યાસ કરતો વિદ્યાર્થી તેની સાથે વાત કરવા બાબતે છેલ્લા ચાર માસથી વિદ્યાર્થિનીને પરેશાન કરતો હતો. આ બાબતની તેના પિતાને જાણ થતાં તેના પિતાએ શાળાના આચાર્યને તેમની દીકરીને વિદ્યાર્થી પરેશાન કરતો હોવાની મૌખિક રજૂઆત કરી હતી.પણ શાળા દ્વારા કોઈ પગલાં લેવાયા નહોતા. બાદમાં મંગળવારે શાળામાં જ ક્લાસમાં બે વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીને પકડી રાખી હતી અને ચાર માસથી પરેશાન કરનાર વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીના હાથમાં બ્લેડથી ચેકા માર્યા હતા અને આંગળીએ ડામ આપ્યો હતો. આ ઘટનાથી તે હેબતાઈ જતાં ઘરે આવીને લાઈઝોલ પી જતા તેની તબિયત લથડી પડી હતી. તેને સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. હાલ આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. વિદ્યાર્થિનીના પિતાએ શાળાના આચાર્ય અને શિક્ષક પાસે ઘટનાના CCTV ફૂટેજ માંગ્યા હતા, પરંતુ તેમને ફૂટેજનો પાસવર્ડ ન હોવાનું જણાવી ફૂટેજ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.