1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમીરગઢના જંગલમાંથી નીલગાયનો શિકાર કરતી 10 શખસોની ગેન્ગ પકડાઈ
અમીરગઢના જંગલમાંથી નીલગાયનો શિકાર કરતી 10 શખસોની ગેન્ગ પકડાઈ

અમીરગઢના જંગલમાંથી નીલગાયનો શિકાર કરતી 10 શખસોની ગેન્ગ પકડાઈ

0
Social Share
  • વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બંદુકના ધડાકાનો અવાજ સંભળાયો,
  • પોલીસ અને વન વિભાગે ઓપરેશન હાથ ધરીને 10 શિકારીઓને દબોચી લીધા,
  • 5 બંદૂકો અને હથિયારો જપ્ત કરાયા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના જંગલમાં નિલગાયનો શિકાર કરતા 10 શિકારીઓને પોલીસ અને વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દબોચી લીધા છે. શિકારી ગેન્ગ અમીરગઢના જંગલમાં નીલગાયને ટાર્ગેટ કરીને શિકાર કરતી હોવાની બાતમી વન વિભાગને મળી હતી. એને લઇને વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બંદૂકના ધડાકાનો અવાજ સંભળાતાં ટીમે જંગલમાં ઓપરેશન શરૂ કર્યું હતું. સતત 16 કલાક જંગલ ખૂંદતાં પોલીસ અને વન વિભાગની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે આરોપીઓ નીલગાયનો શિકાર કરીને માંસને થેલીઓમાં ભરી રહ્યા હતા.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વન્યજીવ રેન્જ ઇકબાલગઢના કપાસિયા રાઉન્ડમાં વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને શિકારના ઇરાદે જંગલમાં ઘૂસેલા અજાણ્યા ઇસમો વિશે બાતમી મળી હતી. જેથી ટીમે જંગલમાં સર્ચ કરતાં બંદૂકના અવાજ સાંભળવા મળ્યા હતા. જેમ જેમ બંદૂકના અવાજ સંભળાતા ગયા તેમ તેમ સ્ટાફ એ દિશામાં આગળ વધતો ગયો હતો અને તેમના ઉપરી અધિકારીઓને પણ જાણ કરી હતી. આ દરમિયાન બંદુકના અવાજ બંધ થઇ ગયા હતા, પરંતુ ચોક્કસ બાતમી અને બંદૂકના અવાજને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમ અને પોલીસે જંગલ ખૂંદવાનું શરૂ કર્યું હતું. એમાં સતત 16 કલાકના સર્ચ-ઓપરેશન બાદ 10 સભ્યોની શિકારી ગેંગને દબોચી લીધી હતી. જ્યારે 4 શખસ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. વન વિભાગ અને પોલીસની ટીમ જ્યારે પહોંચી ત્યારે ગેંગના સભ્યો એક નીલગાયનો શિકાર કરીને માંસને પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી રહ્યા હતા.  વન અધિકારીઓએ શિકારીઓ પાસેથી પાંચ બંદૂક જપ્ત કરી હતી, જેમાંથી ચાર બંદૂક લાઇસન્સ વગરની હોવાનું સામે આવ્યું હતું. ગેરકાયદે શિકાર ઉપરાંત ગેરકાયદે હથિયારો રાખવા બદલ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી અને 10 આરોપીને કોર્ટમાં રજૂ કરીને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code