- ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં વી પી સોસાયટીમાં બન્યો બનાવ,
- યુવતી સુરથી પોતાના સંબધીને ત્યાં વેકેશનમાં રોકાવા માટે આવી હતી,
- અકસ્માત કે આત્મહત્યા, પોલીસે તપાસ શરૂ કરી
ભાવનગરઃ સુરતથી દિવાળી વેકેશન મનાવવા માટે ભાવનગર પોતાના સંબધીને ત્યાં આવેલી યુવતીનું ગત રાતે સુભાષનગર વિસ્તારની વી.પી. સોસાયટી (પ્રધાનમંત્રી આવાસ યોજના)ની E વિંગના છઠ્ઠા માળની બાલ્કનીમાંથી નીચે પટકાતાં મોત થયું હતું. આ બનાવથી આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા. અને ત્વરિત ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું. આ ઘટના પાર્કિંગ વિસ્તારના CCTVમાં કેદ થઈ હતી, જેના કારણે પોલીસે આ શંકાસ્પદ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા એ જાણવા તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના કાપોદ્રામાં વિસ્તારમાં રામ કૃપા સોસાયટીમાં રહેતી જાનવી રમેશભાઈ સગર (ઉં. વ. 19) તાજેતરમાં દિવાળી પર્વ અન્વયે ભાવનગર શહેરના સુભાષનગર સ્થિત વીપી સોસાયટી પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા તેમના કોઈ સંબંધીના ઘરે દિવાળી વેકેશન મનાવવા આવી હતી. આ દરમિયાન ગત રાત્રિના સમયે ઈ વિંગના છઠ્ઠા માળે આવેલી બાલ્કનીમાંથી યુવતી નીચે પટકાતાં ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આ ઘટના આવાસ યોજનાના પાર્કિંગમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ બનાવની જાણ ઘોઘા રોડ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર બાબતને લઈને તપાસ શરૂ કરી છે.


