
- મગર જોતા બે યુવાનો ડરના માર્યા વીજળીના થાંભલે ચડી ગયા,
- છેલ્લા 15 દિવસમાં 50 મગરોનું રેસ્ક્યું કરાયું,
- જીવદયા સંસ્થાના કાર્યકરોએ મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો
વડોદરાઃ શહેરમાં વિશ્વામિત્રી નદીમાં મગરોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં શહેરમાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીના પૂર શહેરી વિસ્તારોમાં ફરી વળતા પાણી સાથે અનેક મગરો પણ તણાઈને આવ્યા હતા. પાણી ઉતર્યા બાદ પણ રોડ-રસ્તાઓ પર ગમે ત્યાં મગરો જોવા મળી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં 50 જેટલા મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે તાજેતરમાં ગણેશ વિસર્જન માટે બનાવેલા કૃત્રિમ કુંડ નજીક એક મોટો મગર આવી ચડ્યો હતો. દરમિયાન કૃત્રિમ કુંડ નજીક લાઈટિંગનું કામ કરી રહેલા બે યુવાનોએ મગરોને જોતાં જ ડરના માર્યા વીજળીના થાંભલે ચડી ગયા હતા. બન્ને યુવાનોની બુમો સાંભળીને સ્થાનિક લોકોએ જીવદયા સંસ્થાનો સંપર્ક કર્યો હતો. અને જીવ દયાના કાર્યકર્તાઓએ 5 ફુટ મગરનું રેસ્ક્યુ કર્યું હતું.
વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ મગરો જાહેર રોડ-રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના ગણપતિ વિસર્જનના મુખ્ય કૃત્રિમ કૂંડ પાસે પાંચ ફૂટનો મગર આવી જતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મગરની નગરી બની ગયેલા વડોદરામાં રોજબરોજ રહેણાંક વિસ્તારોમાંથી મગરો મળી આવવાના બનાવો બની રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં 50 જેટલા મગરોનું ફોરેસ્ટ વિભાગ અને જીવ દયા કાર્યકરો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ત્રણ દિવસ પહેલા વડોદરાના સૌથી વધુ વાહન વ્યવહારથી ધમધમતા કાલાઘોડા પાસે જાહેરમાં 10 ફૂટનો મગર આવી જતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. તે પહેલા ફતેગંજ નરહરી હોસ્પિટલ પાસે એક મકાનના દરવાજા પાસે 15 ફૂટનો સૌથી મોટો મગર આવી જતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દરમિયાન વડોદરાનું વહીવટી તંત્ર ગણપતિ વિસર્જન માટે તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે મુખ્ય કૃત્રિમ કુંડ નવલખી ખાતે વહેલી સવારે એક મગર આવી જતા કુંડ નજીક લાઈટોનું કામ કરી રહેલા બે યુવકો થાંભલે ચડી ગયા હતા. જીવ દયા કાર્યકરોને જાણ કરાતા તેમણે મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.