1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં લાજપોર જેલનો જેલર હોવાનું કહીને લોકો પાસે તોડ કરતો શખસ પકડાયો
સુરતમાં લાજપોર જેલનો જેલર હોવાનું કહીને લોકો પાસે તોડ કરતો શખસ પકડાયો

સુરતમાં લાજપોર જેલનો જેલર હોવાનું કહીને લોકો પાસે તોડ કરતો શખસ પકડાયો

0
Social Share
  • નકલી જેલરની અમદાવાદ ઝોન 2 એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી,
  • પોલીસ સ્ટેશનમાંથી આરોપીની માહિતી મેળવીને તેના સગા-સંબધીને ફોન કરતો હતો,
  • જેલમાં સુવિધા આપવાના બહાને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવતો હતો,

સુરતઃ નકલી પોલીસ, નકલી ઈન્કમ ટેક્સ અધિકારીઓ તોડ કરતા પકડાતા હોય છે. તેવી જ રીતે સુરતની લાજપોર જેલના જેલર હોવાની ફેક ઓળખ આપીને જેલમાં પુરાયેલા કેદીઓના સરનામા મેળવીને કેદીના સગા-સંબધીઓ પાસેથી તોડ કરતો નકલી જેલરને અમદાવાદ ઝોન 2 એલસીબીની ટીમે દબોચી લીધો છે.

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં બ્લેકમેલિંગના કેસમાં ફસાયેલા આરોપીના પરિવારને લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપીને પૈસા પડાવનારા આરોપીની અમદાવાદ ઝોન 2 એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઇસનપુર વિસ્તારમાં રહેતો આરોપી રાજ્યમાં બનતા ગુનાઓ અંગે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયેલા ક્રાઈમને લગતા એપિસોડ જોઈને પોલીસ સ્ટેશનમાંથી પોતાની વકીલ તરીકેની ઓળખ આપી આરોપીની માહિતી મેળવ્યા બાદ આરોપીના સગા સંબંધીને ફોન કરીને જેલર તરીકે ઓળખ આપતો હતો. જેલમાં અલગ અલગ સુવિધાઓ આપવાના બહાને ઓનલાઇન પૈસા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવતો હતો. આરોપી માત્ર કીપેડ મોબાઇલનો જ ઉપયોગ કરીને ફોન કરતો હતો. પોલીસે હાલ આરોપીને સુરત પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો હતો. જેમાં એક અજાણ્યા શખસએ શહેરના અડાજણ પોલીસ સ્ટેશનના ગુનામાં બ્લેક મેઇલીંગમાં પકડાયેલા આરોપીની પત્નીને ફોન કર્યો હતો. આરોપીએ પોતે લાજપોર જેલનો જેલર હોવાની ઓળખ આપી હતી. બાદમાં ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી. વાયરલ થયેલા ઓડિયોમાં આરોપીએ ભોગ બનનારને 90 દિવસ જેલમાં રહેવાની સુવિધાઓ માટે 15 હજારની માંગણી કરી હતી. આ બાબતે સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

દરમિયાન અમદાવાદ ઝોન-2 ડીસીપી એલસીબી સ્ક્વોડને બાતમી મળી હતી કે પોલીસ અને નકલી અધિકારી તરીકેની ઓળખ આપીને પૈસા પડાવનાર વ્યક્તિ દ્વારા સુરતના અડાજણ ના વ્યક્તિને બ્લેકમેલિંગ કેસમાં જેલર તરીકે ઓળખ આપી પૈસા પડાવ્યા છે જેથી નકલી જેલર બનીને પૈસા માંગીને ધમકી આપનાર રાજેશ ત્રિવેદી (ઉ. વ 49, રહે. આનંદ સોસાયટી વિભાગ 1, ઇસનપુર)ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી અલગ અલગ છ જેટલા કીપેડ મોબાઇલ મળી આવ્યા હતા તેમજ બેંકની પાસબુક તેમજ બે એટીએમ મળી આવ્યા હતા.

પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું આરોપી રાજેશ ત્રિવેદી અલગ અલગ ન્યુઝ ચેનલોમાં પ્રસારિત થતાં સમાચાર જોઇને બનાવની માહિતીઓ મેળવતો અને બાદમાં જસ્ટ ડાયલ મારફતે પોલીસ સ્ટેશનનો નંબર લઈને ફોન કરીને વકીલ તરીકેની ઓળખ આપી આરોપીની માહિતી લઇ લેતો હતો. બાદમાં આરોપીના સંબંધી કે પરિવારના સભ્યોને ફોન કરીને જેલર તરીકેની ઓળખ આપીને ટિફિન તેમજ વિસ્તાર સાહિત્ય અન્ય સગવડો આપવા માટે પૈસા માંગતો હતો. ઓનલાઇન અથવા બેંકમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કહેતો હતો જો કોઈ પૈસા આપવાની ના પાડે તો જેલમાં માર મારવાની અને ધમકી આપી આરોપી નાણાં પડાવતો હતો. આરોપી અગાઉ રામોલ, બાપુનગર, ગાંધીનગર, અમરેલી અને કાલુપુરમાં પણ ઝડપાયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code