સુરત, 15 જાન્યુઆરી 2026: શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગત મોડી રાત્રે એ.આર. મોલ પાસે આવેલા પેટ્રોલ પંપથી માત્ર 20 ફૂટના અંતરે પતરાના શેડમાં આવેલી ચાર દુકાનોમાં ઓચિંતી આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી તાત્ત્કાલિક પાણીનો મારો ચલાવતા મોટી દુર્ઘટના ટળી હતી. આ દુર્ઘટનામાં ટાયરની દુકાન અને રમકડાની દુકાન સહિત કુલ 4 દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી. જોકે, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના થઈ નથી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના મોટા વરાછા વિસ્તારમાં પતરાના શેડમાં કેટલીક દુકાનો બનાવવામાં આવી હતી. ગત મોડી રાત્રે અહીં એકાએક આગ લાગી હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, ટાયરના ગોડાઉનમાં આગ લાગતા તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં બાજુમાં આવેલી રમકડાની દુકાન સહિત અન્ય ત્રણ દુકાનોમાં પણ આગ પ્રસરી હતી. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે, આગની ગંભીરતાને જોતા 10 અલગ અલગ ફાયર સ્ટેશનની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટાયર અને પ્લાસ્ટિકના રમકડાં હોવાથી ધુમાડાના ગોટેગોટ જોવા મળ્યા હતા. જેના કારણે ફાયર જવાનોએ માસ્ક પહેરીને પાણીનો મારો ચલાવવો પડ્યો હતો.
ફાયર ઓફિસરના કહેવા મુજબ, પતરાના શેડમાં જે આગ લાગી હતી તેનાથી માત્ર 20 ફૂટ દૂર જ એક પેટ્રોલ પંપ આવેલો હતો. ફાયરના જવાનો જ્યારે પહોંચ્યા ત્યારે સૌપ્રથમ આગ વધુ ના પ્રસરે તે માટે પાણીનો મારો ચારે તરફથી કરવામાં આવ્યો હતો. તેથી આગને વધુ પસાર થતી અટકાવી દેવામાં આવી હતી. આગ પેટ્રોલ પંપ સુધી ન પહોંચે તે પ્રકારની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી. ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને એક મોટી દુર્ઘટના થતા ટાળી હતી. ફાયર જવાનોની ભારે જહેમત બાદ અંદાજે સાડા ત્રણ કલાકે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો. જોકે, ત્યાં સુધીમાં બે દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી અને અન્ય બે દુકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. રાત્રિનો સમય હોવાથી દુકાનમાં કોઈ હાજર નહોતું. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.


