
- નવું ટર્મિનલ 2800 મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયુ
- 450 મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી
- 12 ઇમીગ્રેશન સેન્ટર અને અરાઇવલ હોલમાં 26 ઇમીગ્રેશન કાઉન્ટર ઉભા કરાયા
રાજકોટઃ શહેર નજીક અમદાવાદ હાઇવે આવેલા હીરાસર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે રવિવારે 23,000 ચો.મી.માં નવનિર્મિત આધુનિક ટર્મિનલને ખુલ્લું મુકવામાં આવ્યું હતુ. રાજકીય પદાધિકારીઓ અને સ્થાનિક રાજકીય પદાધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં મુસાફરો માટેની આધુનિક સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવા ટર્મિનલમાં સૌ પ્રથમ મુંબઇ-રાજકોટની એર ઇન્ડિયાની ફ્લાઇટના મુસાફરોનું આગમન થતાં મહાનુભાવોના હસ્તે પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોં મીઠા કરાવવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરની નજીક અમદાવાદ હાઈવે પર આવેલા હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27 જુલાઇ 2023ના કરવામાં આવ્યા બાદ 20 સપ્ટેમ્બર- 2023થી એરપોર્ટમાં વિધિવત હવાઇ સેવાનો પ્રારંભ થયો હતો. પ્રથમ તબકકામાં કાર્ગો બિલ્ડિંગમાં હંગામી ધોરણે ટર્મિનલ ઉભું કરી વિમાની સેવા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ અહીં કાયમી ધોરણે નવું અદ્યતન ટર્મિનલ શરૂ કરવાનું જે કામ શરૂ થયું હતું તે પરીપૂર્ણ થતાં તેનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું. નવું ટર્મિનલ પીકઅવર્સ દરમિયાન 2800 મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં બોર્ડિંગ ગેઇટ 3 ગ્રાઉન્ડ ફલોર બોર્ડિંગ ગેઇટ દૂરથી પાર્ક કરેલા નાના એરક્રાફ્ટ માટે તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 2 બોર્ડિંઝ ગેઇટ પેસેન્જર બોર્ડિંગ બેઝ સાથે જોડાયેલા છે. હાલ અહીં 450 મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 12 ઇમીગ્રેશન સેન્ટર અને અરાઇવલ હોલમાં 26 ઇમીગ્રેશન કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. બે કસ્ટમ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. આજથી આ સુવિધા રાજકોટના વિમાની સેવાના મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવી છે.