
હવે ક્રિકેટનો રોમાંચ નેક્સ લેવલ ઉપર જશે, નવી ફોર્મેટ ‘ટેસ્ટ ટ્વેન્ટી’ રમાશે
ક્રિકેટની દુનિયામાં વારંવાર નવા ફેરફારો જોવા મળે છે, પરંતુ આ વખતે એક બિલકુલ નવી ફોર્મેટ રજૂ થઈ છે, જે ક્રિકેટના રોમાંચને વધુ ઊંચાઈએ પહોંચાડશે. આ નવી ફોર્મેટનું નામ છે ‘ટેસ્ટ ટ્વેન્ટી’, જેનો હેતુ ટેસ્ટ ક્રિકેટની ગંભીરતા અને T20ના ઉત્સાહને એક સાથે જોડવાનો છે. આ ફોર્મેટ માટે વેસ્ટઇન્ડીઝના મહાન ખેલાડી સર ક્લાઇવ લોઇડ, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કપ્તાન એબી ડી વિલિયર્સ, ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડન અને ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી હરભજન સિંહને ટેસ્ટ ટ્વેન્ટી સલાહકાર બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. ઉપરાંત, રાજસ્થાન રોયલ્સના ભૂતપૂર્વ સીઈઓ માઇકલ ફોર્ડહમને આ ફોર્મેટનો ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
ટેસ્ટ ટ્વેન્ટી દુનિયાનું પ્રથમ 80 ઓવરનું ક્રિકેટ ફોર્મેટ હશે. દરેક ટીમને 20-20 ઓવરની બે ઇનિંગ્સ રમવાની તક મળશે, એટલે કે ટીમ બે વાર બેટિંગ કરશે, બિલકુલ ટેસ્ટ મેચની જેમ. આમાં ટેસ્ટ ક્રિકેટ અને T20 બંનેના નિયમોનો સંયોજન જોવા મળશે. આ ફોર્મેટમાં ચાર સંભાવિત પરિણામ જીત, હાર, ટાઈ અથવા ડ્રો શક્ય રહેશે. ટેસ્ટ ટ્વેન્ટીનો પહેલો સીઝન જાન્યુઆરી 2026માં શરૂ થશે. તેમાં કુલ છ ફ્રેન્ચાઇઝી ટીમો ભાગ લેશે. જેમાંથી ત્રણ ટીમો ભારતમાંથી હશે, જ્યારે બાકી ત્રણ દુબઈ, લંડન અને અમેરિકાનું પ્રતિનિધિત્વ કરશે. દરેક ટીમમાં 16 ખેલાડીઓ હશે.
આ નવી ફોર્મેટનું સત્તાવાર ઉદ્ઘાટન 16 ઑક્ટોબર 2025ના રોજ કરવામાં આવ્યું હતું. દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ એબી ડી વિલિયર્સએ કહ્યું કે, “ટેસ્ટ ટ્વેન્ટી ક્રિકેટમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવશે. આ ફોર્મેટથી યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાનો વધુ અવસર મળશે.” વેસ્ટઇન્ડીઝના દિગ્ગજ સર ક્લાઇવ લોઇડએ ઉમેર્યું કે, “ક્રિકેટ હંમેશા સમય સાથે બદલાતી રહી છે, પરંતુ આ વખતે પરિવર્તન ખૂબ વિચારપૂર્વક અને સર્જનાત્મક છે. ટેસ્ટ ટ્વેન્ટી આ રમતની કલાને ફરી જીવંત બનાવશે અને તેને આધુનિક રંગ આપશે.” આ રીતે ‘ટેસ્ટ ટ્વેન્ટી’ ફોર્મેટ ક્રિકેટના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખવા તૈયાર છે. જ્યાં પરંપરા અને આધુનિકતા એક જ મેદાન પર હાથ મિલાવશે.