- સુરતના સિંગણપોર વિસ્તારમાં બન્યો બનાવ
- અકસ્માતમાં કુલ 5 લોકોને નાની મોટી ઈજા પહોંચી
- ટેમ્પાએ એક મહિલા સહિત ત્રણેય વાહનચાલકોને 8 ફૂટ દૂર સુધી ઢસડયાં
સુરતઃ શહેરમાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના સિંગણપોર વિસ્તારમાં અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. એક ટેમ્પાચાલકે પૂરઝડપે અને ગફલતભર્યુ ડ્રાઇવિંગ કરીને રસ્તામાં જતા નિર્દોષ લોકોને અડફેટે લીધા છે. ટેમ્પોચાલકે ફ્રૂટની લારી લઈની જતી વૃદ્ધા અને તેના પૌત્ર તેમજ એક મહિલાચાલક સહિત ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. , ટેમ્પોચાલકે ટક્કર મારતા વૃદ્ધા ઉછડીને 5 ફૂટ દૂર સુધી પટકાયા હતા. ત્યાર બાદ ટેમ્પાચાલકે અન્ય ત્રણ વાહનોને અડફેટે લીધા હતા જેમાં એક મહિલા ચાલક સહિત ત્રણેય વાહનચાલકોને 8 ફૂટ દૂર સુધી ઢસડ્યા હતા.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના સિંગણપોર વિસ્તારમાં 55 વર્ષીય વૃદ્ધ મહિલા પોતાના 4 વર્ષના પૌત્રને ફ્રૂટની લારી પર બેસાડીને રસ્તો પસાર કરી રહ્યા હતા. તેઓ પોતાની રોજિંદી જરૂરિયાત પુરી કરવા માટે ફ્રૂટ વેચવા જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે આવેલા ટેમ્પો (GJ 05 BZ 9280) ચાલકે ફ્રૂટની લારીને જોદરાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાની સાથે જ વૃદ્ધા હવામાં લગભગ 5 ફૂટ સુધી ફંગોળાઈને ફૂટપાથ પર પટકાઈ હતી. બીજી તરફ તેમનો પૌત્ર પણ રોડ પર ફેંકાયો હતો. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત હાલતમાં પણ વૃદ્ધા તેના પૌત્રને બચાવવા દોડી જાય છે અને તેને તેડી લીધો હતો. જ્યારે લારીમાં રહેલા તમામ ફ્રૂટ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. વૃદ્ધાને અડફેટે લીધા બાદ બેફામ ટેમ્પાચાલકે આગળ આવતા ત્રણ વાહનચાલકોને પણ ટક્કર મારી હતી. જેમાં એક મહિલા સ્કૂટરચાલક સહિત ત્રણ વાહનોને 8 ફૂટ સુધી રસ્તા પર ઢસડ્યા હતા. આ અકસ્માતમાં કુલ 5 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જોકે, આ સમગ્ર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
અકસ્માતના બનાવ બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિને ફેક્ચર આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. બે વ્યક્તિઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. વૃદ્ધા અને બાળકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.


