સુરત, 4 જાન્યુઆરી 2026: Three-day festival from January 9th at Suvali Beach શહેર નજીક આવેલા સુંવાલીના દરિયાકિનારે આગામી તા. 9મી જાન્યુઆરીથી ત્રિ-દિવસીય ‘સુવાલી બીચ ફેસ્ટિવલ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં નાગરિકોને દરિયાની લહેરો સાથે સંગીત, સ્વાદ અને સાહસનો સંગમ માણવા મળશે. તંત્ર દ્વારા સુવાલી બીચ મહોત્સવ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી દ્વારા સમીક્ષા બેઠક યોજી તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
સુવાલી બીચ ફેસ્ટિવલ-2026’ના ભવ્ય આયોજનના ભાગરૂપે ધારાસભ્ય સંદિપ દેસાઈની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ધારાસભ્યએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સુંવાલી બીચને એક પ્રમુખ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે કટિબદ્ધ છે, જેથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઉભી થાય અને સહેલાણીઓ દરિયાકિનારાના કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકે. નાગરિકોને સરતથી સુરાલી બીચ પહોંચવા માટે બસની સુવિધા પુરી પડાશે. સુરત શહેરથી સુવાલી બીચ દૂર હોવાથી વિવિધ વિસ્તારોમાંથી પ્રવાસીઓને ફેસ્ટિવલ સ્થળ સુધી પહોંચવા માટે વિશેષ સિટી બસ અને એસ.ટી. બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શહેરના 30 સ્થળેથી નાગરિકોને સિટી બસ મળી રહેશે. સાથે જ વહીવટી તંત્ર દ્વારા સલામતી અને વ્યવસ્થાપન પર વિશેષ ભાર મૂકતા જિલ્લા કલેક્ટરે તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લા કલેક્ટરે સુરક્ષા અંગે સૂચના આપતા જણાવ્યું હતુ કે, દરિયાકિનારે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડ, કુશળ તરવૈયા અને એમ્બ્યુલન્સ સાથેની મેડિકલ ટીમો તૈનાત રહેશે. આ ઉપરાંત, પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન અને વિશાળ પાર્કિંગ એરિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી પર્યટકોને કોઈ અગવડ ન પડે.


