- ચિંતન શિબિરમાં અધિકારીઓ અનુભવ, પડકારો અને ઉકેલો રજૂ કરાશે,
- મુખ્ય સચિવ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેકટરો ઉપસ્થિતિ રહેશે,
- તમામ અધિકારીઓ ટ્રેન દ્વારા ધરમપુર પહોંચશે,
ગાંધીનગરઃ ગુજરાત સરકારની 12મી ત્રિદિવસીય ચિંતન શિબિર આગામી તા. 27થી 29 નવેમ્બર દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુરમાં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાનારી આ શિબિરમાં રાજ્યના મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો અને અન્ય વહીવટી અધિકારીઓ હાજર રહેશે.
રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓની ત્રિદિવસીય શિબિરનો હેતુ રાજ્યના વહીવટીતંત્રને વધુ અસરકારક બનાવવાનો અને અધિકારીઓ વચ્ચે સક્ષમ સંકલન વધારવાનો છે. અધિકારીઓના ક્ષેત્રિય અનુભવો, વિવિધ વિભાગોના કાર્યક્રમો અને તેમની અમલી સ્થિતિ વિશે ચર્ચા થવાની છે જેથી વિકાસની ગતિ વધુ તેજ થાય. ચિંતન શિબિર દરમિયાન મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની હાજરીમાં વિવિધ વિષયક ચર્ચા સત્રો યોજાશે. દરેક વિભાગના અધિકારીઓ પોતાના અનુભવ, પડકારો અને ઉકેલો રજૂ કરશે. સમૂહ ચર્ચા દ્વારા રાજ્યના વિકાસ માટે નવનવા વિચારો મેળવવાના ઉદ્દેશ સાથે આ શિબિર યોજાઈ રહી છે.
સૂત્રોના કહેવા મુજબ ચિંતન શિબિરમાં ભાગ લેનારા અધિકારીઓને ટ્રેન મારફતે ધરમપુર પહોંચવાનું રહેશે. તમામ અધિકારીઓને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, શિબિર બાદ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સમાપન સત્રમાં ચિંતનના મુદ્દાઓની પ્રસ્તુતિ અને સમીક્ષા થશે. આ ત્રણ દિવસીય ચિંતન શિબિર 27 નવેમ્બરે પ્રારંભ થઈ 29 નવેમ્બર સુધી ચાલશે. શિબિરના અંતે રાજ્યના વિકાસ માટે નવી દિશા નક્કી કરવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.


