સુરેન્દ્રનગર, 25 ફેબ્રુઆરી 2026: જિલ્લાના પાટડી તાલુકાના માલવણથી કચ્છ જતા હાઈવે પર અખિયાણા અને ધર્મઠ પાસે દાડમ ભરેલી આઈસર ટ્રકમાં અકસ્માત બાદ આગ લાગતા ટ્રકના ડ્રાઇવર અને કન્ડકટર ગંભીરરીતે દાઝી જતા પ્રાથમિક સારવાર અર્થે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. ટ્રકમાં આગ લાગ્યાની જાણ થતાં જ પોલીસ તેમજ ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને ઘટના સ્થળે પહોચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ કચ્છ હાઈવે પર અખિયાણા અને ધર્મઠ ગામ વચ્ચે હળવદથી દાડમ ભરીને આવી રહેલી આઈસર ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક આગળ જતા વાહન સાથે અથડાયા બાદ દાડમ ભરેલી આઈસર ટ્રક ભડભડ સળગી ઉઠી હતી. અને પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જયારે અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક વાહન લઈને ત્યાંથી જતો રહ્યો હતો. જયારે આઈસર સળગી ઉઠતા આઈસરમાં સવાર ડ્રાઇવર અને કંડક્ટર દાઝી ગયા હતા. ડ્રાઇવર અને કંડક્ટરને દાઝેલી હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા.
આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા. જયારે આ ઘટનાની જાણ થતાં પોલીસની સાથે ફાયર બ્રિગેડની ટીમે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. અને એક કલાકની ભારે જહેમત બાદ આઈસર ગાડીમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જયારે આ બનાવ અંગે બજાણા પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જયારે આ ગોઝારી ઘટનામાં દાડમ સહીત આખી આઈસર ટ્રક પળવારમાં બળીને ખાક થઇ ગઈ હતી.


