- લીવ ઈનમાં રહેતા પ્રેમીએ યુવતીની હત્યા કરી હતી,
- સીસીટીવીમાં યુવતીનો પ્રેમી સુટકેસ લઈને જતો જોવા મળ્યો હતો,
- પોલીસે આરોપી પ્રેમીને ફિરોઝાબાદથી દબોચી લીધો
સુરતઃ જિલ્લાના કોસંબામાં બે દિવસ પહેલા બિનવારસી મળી આવેલી સુટકેસમાં મહિલાનો મૃદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે ત્વરિત કામગીરી હાથ ધરીને સીસીટીવી કેમેરા ચેક કરતા એક વ્યક્તિ હાથમાં સુટકેસ લઈને જતો જોવા મળ્યો હતો. આ વ્યક્તિની ત્વરિત ઓળખ કરતા તે મહિલા સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન એલસીબી (LCB)એ મુખ્ય આરોપીને દિલ્હી નજીક આવેલા ફિરોઝાબાદથી દબોચી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા સાથે લીવ ઈનમાં રહેનારો તેનો પ્રમી હતી. અને આરોપીએ લગ્ન માટેના દબાણને કારણે હત્યા કરી હોવાનું જણાવ્યુ હતુ.
કોસંબા ખાતે સોમવારે સુટકેસમાંથી મહિલાનો મૃતદેહ મળવા મામલે એલસીબીએ આરોપીની દિલ્હી નજીક ફિરોઝાબાદથી ધરપકડ કરી છે. આરોપીનું નામ રવિ શર્મા છે, જે મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી છે. મૃતક મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો, અને મહિલા ઘણા સમયથી રવિ શર્મા સાથે રહેતી હતી. પરંતુ, લગ્ન માટે દબાણ કરતાં, રવિએ તેની હત્યા કરી અને મૃતદેહને સૂટકેસમાં ભરીને ફેંકીને ફરાર થઈ ગયો હતો. શરૂઆતમાં લોકોને લાગી રહ્યું હતું કે મહિલા જે પુરુષ સાથે રહે તે તેનો પતિ છે. પરંતુ આખરે જાણવા મળ્યું કે તે તેનો પ્રેમી હતો.
આરોપી મૃતદેહના નિકાલ માટે ઉપયોગમાં લેવાયેલી બેગ ક્યાંથી ખરીદવામાં આવી હતી, તેની તપાસ કરાઈ હતી. તપાસમાં એવું બહાર આવ્યું કે હત્યારા રવિએ બેગ ખરીદતી વખતે દુકાનદારને UPI દ્વારા પેમેન્ટ કર્યું હતું, જેના પુરાવાઓ પોલીસને મળ્યા છે. બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યા તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સુરત સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમના પ્રાથમિક રિપોર્ટ અંગે સુરત સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા ડોક્ટર ચંદ્રેશે જણાવ્યું હતું કે, મહિલાની ઉંમર 25 થી 30 વર્ષની આસપાસ છે. મહિલાનો ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. આ સાથે જ હત્યા સમયે પ્રતિકાર કરવાના કારણે તેના શરીર પર પાંચ થી છ જેટલા ઉઝરડાના નિશાન પણ હતા


