
- શહેરના માલવિયાનગરમાં પૂરફાટ ઝડપે કારે ત્રણ વાહનોને અડફેટે લીધા
- રાતના 10થી 11ની વચ્ચે બન્યો બનાવ
- કારચાલકની પોલીસે કરી ધરપકડ
રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના માલવિયાનગરમાં મવડી મેઈન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો, 100થી 120ની ઝડપે જતી કારે ત્રણ વાહનચાલકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક્ટિવા લઈને પેટ્રોલ પુરાવવા જતાં દૂધની ડેરીના માલિક 69 વર્ષીય પ્રફુલભાઈ ઉનડકટને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક પર કાકા આયુષ ડોબરિયા સાથે જતી 12 વર્ષની દીકરીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને હેમરેજ થયાનું તબીબોએ જણાવ્યું હતું. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, રાજકોટ શહેરના માલવિયા પોલીસ સ્ટેશનની હદમાં મવડી મેઈન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે પૂરફાટ ઝડપે કારે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતને નજરે જોનારા લોકોના કહેવા મુજબ, કારની સ્પીડ 100થી 120 હતી. આ સાથે કારચાલક યુવકે નશો કર્યો હોવાની ચર્ચા થઈ રહી હતી. જોકે આ ઘટના બાદ માલવિયાનગર પોલીસે કારચાલકની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન પોલીસે આરોપી કારચાલક ઋત્વિચ રમેશભાઇ પટોળિયા અને તેની સાથેના ધ્રુવ ધર્મેશભાઈ કોટકને પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી. અકસ્માતનો ભોગ બનનાર આયુષ ડોબરિયાએ જણાવ્યું હતું કે, મવડી મેઈન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે ભારત પેટ્રોલપંપ નજીક વાહન લઈને ઊભો હતો, ત્યારે કિયા કાર 100 અથવા 120ની સ્પીડે હશે. જેથી ત્યાં પેટ્રોલ પુરાવવા માટે શાંતિથી વાહન પર આવતા દાદાને કારે ટક્કર મારી હતી, જેથી તેમનું તો ત્યાં જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ મને ટક્કર વાગતા હું બેભાન થઈ ગયો હતો. કારમાં પાછળ 2 યુવતી બેઠી હતી, તે ભાગી ગઈ, પરંતુ કારમાં આગળ બેસેલા 2 યુવકને મેં પકડી લીધા હતા. કારચાલકે અંદાજે બેથી ત્રણ લોકોને અડફેટે લીધા હશે. કારચાલક નશાની હાલતમાં હોય તેવું મને લાગી રહ્યું હતું.
આ અકસ્માતના બનાવને નજરે જોનારા એક વ્યક્તિએ કહ્યું હતું કે, રાતના 10 વાગ્યા બાદ મવડી મેઈન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે ભારત પેટ્રોલ પંપ પાસે આ અકસ્માત સર્જાયો ત્યારે હું સામે તરબૂચની રેકડી પાસે ઊભો હતો. કારચાલક 100થી 120ની સ્પીડમાં કાર ચલાવતો હતો. જોકે, એક દાદાને પાછળથી ટક્કર મારતા દાદાનું મૃત્યુ થયું છે. કારમાં પાછળ બેસેલી 2 છોકરી અકસ્માત સર્જાયા બાદ ભાગી ગઈ હતી, પોલીસ બંને યુવકને પકડીને માલવિયાનગર પોલીસમથકમાં લઈ ગઈ હતી.