
- અકસ્માત બાદ ઈકો કાર રિવર્સમાં લઈને ભાગવા જતા ટાયર ફાટ્યુ,
- લોકોએ દોડી આવીને ઈકોકારના ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો,
- બે લોકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
ભૂજઃ કચ્છના મુન્દ્રાના નવનિર્મિત બારોઈ રોડ પર મોડીરાત્રે પૂરઝડપે ઇકો કારના ચાલકે યુ-ટર્ન લેતા એક એક્ટિવાચાલકને ધડાકાભેર ટક્કર મારી 300 મીટર જેટલો ઢસડ્યો હતો. આ ઘટનામાં સદનસીબે એક્ટિવાચાલકનો જીવ બચી ગયો છે, અકસ્માત બાદ ઈકોચાલક કાર રિવર્સ લઇને ભાગવાનો પ્રયત્ન કરતા કાર ડિવાઇડર સાથે અથડાતાં કારનું ટાયર ફાટી ગયુ હતુ. અ અકસ્માતને લીધે આજૂબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ઈકોના કારચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી કૂટેજ પણ વાયરલ થયા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલા મહાવીર સુપર સ્ટોર પાસે એક એક્ટિવાચાલક યુ-ટર્ન લઈ રહ્યો હતો ત્યારે પૂરફાટ ઝડપે આવેલી ઈકો કારે એક્ટિવાને અડફેટે લીધુ હતું. કારની ટક્કરથી એક્ટિવાચાલક ફૂટબોલની જેમ ઉછાળીને પટકાયો હતો. આ અકસ્માત બાદ ઈકોચાલક પોતાની કાર રિવર્સ લઇને ભાગવાનો પ્રયત્ન કરતા કાર ડિવાઇડર સાથે અથડાતાં કારનું ટાયર ફાટી ગયુ હતુ. ઇકોકારનું ટાયર ફાટ્યા બાદ પણ ઇકોચાલકે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે સ્થાનિકોએ તેને ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે ઇકોચાલકની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતની આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મુંદ્રામાં નવનિર્મિત બારોઈ રોડ પર સ્પીડબ્રેકર્સ ન હોવાથી વાહનચાલકો અહીં વાહનો સ્પીડમાં ચલાવે છે. જો સ્પીડબ્રેકર્સ મૂકવામાં આવે તો અકસ્માતની આવી ઘટનાઓ ટાળી શકાય તેમ છે.