
આજના ઝડપી જીવનમાં વ્યક્તિને વ્યક્તિગત તેમજ વ્યવસાયિક જીવનમાં ચાલતી પરિસ્થિતિઓને કારણે તણાવ (સ્ટ્રેસ) અનુભવવો સામાન્ય બાબત બની ગઈ છે. દિવસભરની ભાગદોડ, કામનું દબાણ, સંબંધોમાં ગુંચવણ, આર્થિક ચિંતા જેવી અનેક બાબતો મન અને શરીર પર અસર કરે છે. જો આ તણાવને સમયસર નિયંત્રિત ન કરવામાં આવે, તો તે માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતો મુજબ, સૂતા પહેલા કેટલીક સરળ આદતો અપનાવીને તણાવને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે.
સૂતા પહેલા કરો ડિજિટલ ડિટોક્સઃ ઓફિસ કે દિવસભરનાં કામ બાદ મોટાભાગનાં લોકો મોબાઇલ, ટીવી અથવા લેપટોપનો ઉપયોગ કરે છે. પરંતુ આ ઉપકરણોમાંથી નીકળતી બ્લૂ લાઇટ ઊંઘમાં અડચણ પેદા કરે છે. તેથી સૂતા પહેલા ઓછામાં ઓછા 30 થી 60 મિનિટ પહેલાં તમામ ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ બંધ કરો. તેના બદલે તમે પુસ્તકો વાંચી શકો છો અથવા પરિવાર સાથે હળવી વાતચીત કરી શકો છો. સૂતા પહેલા રૂમની લાઈટ ધીમી કે બંધ કરી દેવી વધુ ફાયદાકારક છે.
ડીપ બ્રીદિંગ અથવા ધ્યાન (મેડિટેશન): સૂતા પહેલા થોડીવાર ડીપ બ્રીદિંગ અથવા ધ્યાન (મેડિટેશન) કરવાથી મન અને શરીર બંનેને આરામ મળે છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં બેસીને પોતાની શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ પદ્ધતિ ખાસ કરીને તેમના માટે ઉપયોગી છે, જેઓ રાત્રે ઓવરથિંકિંગ કરે છે અથવા દિવસભરનાં વિચારોમાં ફસાયેલા રહે છે.
પોતાના માટે સમય કાઢો: રાત્રે ઓફિસથી પરત આવ્યા બાદ સીઝન મુજબ પાણીથી ન્હાવુ (શિયાળામાં હળવું ગરમ અને ઉનાળામાં ઠંડું પાણીથી સ્થાન કરવુ) જે શરીરને તાજગી આપે છે. સાથે સાથે ત્વચા સંભાળ (સ્કિન કેર) પર પણ ધ્યાન આપો. અઠવાડિયામાં બે વાર ચહેરા પર હોમમેઇડ ફેસપેક લગાવો. ત્યારબાદ શાંતિથી બેસીને મોબાઇલ વિના માઈન્ડફુલ ઈટિંગ કરો.
જર્નલિંગની ટેવ બનાવોઃ તણાવ દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે જર્નલિંગ એટલે કે પોતાના દિવસભરના અનુભવ અને ભાવનાઓને ડાયરીમાં લખવી. જો કોઈ વાત તમને પરેશાન કરતી હોય, તો તે લખી નાખો. આ રીતે મન હળવું થાય છે. વધુમાં, જો તમે નકારાત્મક વિચારો કરતા હો, તો તેના બદલે ગ્રેટિટ્યુડ (આભારીપણું) અને પોઝિટિવ વિચારો લખો.
યોગ અથવા સ્ટ્રેચિંગ કરોઃ રાત્રે સૂતા પહેલા હળવો યોગ અથવા સ્ટ્રેચિંગ શરીરની થાકેલી મસલ્સને આરામ આપે છે. શવાસન અને બાલાસન જેવી આસનો ખાસ ઉપયોગી છે, કારણ કે તેમાં વધારે મહેનત વિના શરીર સંપૂર્ણ રિલેક્સ થાય છે. સાથે સાથે સમયસર ભોજન લેવાની અને ભોજન બાદ થોડી હળવી ચહલકદમી કરવાની આદત પણ અપનાવો.
સાચા સમયે ઊંઘવાની આદત બનાવોઃ આજકાલ મોટાભાગનાં લોકો સૂતા પહેલા લાંબા સમય સુધી સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા રહે છે, જેના કારણે ઊંઘ મોડે આવે છે અને બીજા દિવસે થાક અનુભવાય છે. તેથી યોગ્ય સમય પર સૂવાની અને સવારે વહેલી ઉઠીને સારા મોર્નિંગ રૂટીન અનુસરવાની ટેવ રાખો. આ રીતે જીવનમાં શિસ્ત (ડિસિપ્લિન) આવશે અને તણાવ પોતે જ ઘટશે.