અમદાવાદ,15 માર્ચ 2026: Unseasonal rains forecast for three days રાજ્યમાં ઉનાળાના પ્રારંભથી જ તાપમાનમાં વધારો થયો છે. ત્યારે 42 ડિગ્રી તાપમાન પહોંચ્યા બાદ હવે ફરી વાતાવરણમાં પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે તેમજ 18થી 20મી માર્ચ સુધી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિત મહાનગરોમાં તાપમાન 36થી 38 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં તાપમાન ધીમે ધીમે વધતું જાય છે, પરંતુ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે બપોરના સમયે ગરમીનો અહેસાસ યથાવત રહેશે.
હવામાન જાણકારના કહેવા મુજબ આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. 15થી 18 માર્ચ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટરબન્સ સર્જાશે, જેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. 18થી 25 માર્ચ દરમિયાન રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં પણ આ સમયગાળા દરમિયાન વરસાદની શક્યતા છે. રાજ્યના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને પવનની દિશામાં ફેરફાર થશે. જેના પરિણામે દિવસના તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગરમીમાંથી નાગરિકોને રાહત મળશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 માર્ચથી 20 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. વાતાવરણમાં પલટો આવતા નાગરિકો માટે ગરમીમાંથી થોડી રાહત મળશે. ત્યાં ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે. અનેક વિસ્તારોમાં ઘઉં, જીરૂં, ચણા સહિતના પાકને કમોસમી વરસાદ થાય તો નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.


