
- સુરતના સચિન વિસ્તારમાં રિક્ષામાં આવીને લોકો પર ચપ્પુ વડે હુમલા કર્યા હતા
- લૂખ્ખા તત્વોનો આતંક મચાવતો વિડિયો વાયરલ થયો હતો
- સ્થાનિક રહિશોએ પથ્થરમારો કરીને લૂખ્ખા તત્વોને ભગાડ્યા હતા
સુરતઃ રાજ્યના અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં અસામાજિક અને લૂખ્ખા તત્વોનો ત્રાસ વધતો જાય છે. ત્યારે રાજ્યના પોલીસ વડાએ 100 દિવસમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાની તાકીદ કરી છે, દરમિયાન સુરત શહેરના સચિન વિસ્તારમાં રિક્ષામાં આવેલા ચાર ટપોરી શખસોએ છરી લઈને લોકો પર હુમલા કરીને આતેક મચાવ્યો હતો, જેનો સોશિયલ મિડિયામાં વિડિયો વાયરલ થતાં પોલીસે આતંક ફેલાવનારા ચાર ટપોરીને દબોચી લીધા હતા, અને જાહેરમાં મેથીપાક આપીને સરઘસ કાઢીને સરભરા કરી હતી,
આ બનાવની વિગતો એવી હતી કે, સુરતના સચિન વિસ્તારના અજંતાનગરમાં ધુળેટીના દિવસે સ્થાનિક રહિશો અબીલ ગુલાલ અને રંગો લગાવીને આનંદ મનાવતા હતા ત્યારે સાજે અચાનક એક રિક્ષામાં ચાર જેટલા શખસો પુરપાટ આવ્યા હતા. રિક્ષા થોભતા જ એક સફેદ ટી-શર્ટ પહેલો ટપોરી ચપ્પુ લઇને ઉતર્યો હતો અને ત્યાં ઉભેલા લોકો પર ચપ્પુ હુલાવવા લાગતા આખા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેમાં સોસાયટીમાં રહેતા મનોજ રમાશંકર ગુપ્તા,રાજેદ્રભાઇ, ધર્મેન્દ્ર અને બિપીનને ઇજા પહોંચી હતી. અચાનક આવીને ગાળો આપી શખ્સો દ્વારા હુમલો કરાતા સ્થાનિકોએ ઉશ્કેરાઇ હુમલાખોરો પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો થતા આ ચારેય જણા રિક્ષામાં બેસીને નાસી ગયા હતા. સ્થાનિક લોકોએ આ આખી ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.
સુરત શહેરના સચિન અજંતાનગરમાં ધુળેટીની સાંજે રિક્ષામાં આવેલા ચાર જેટલા અસામાજીક તત્વોએ ખુલ્લુ ચાકુ લઇને લોકો પર હુમલો કરીને આતંક મચાવ્યાનો વિડિયો વાયરલ થયો હતો. જેથી પોલીસે તપાસ શરૂ કરીને ચાર ટપોરીઓની ધરપકડ કરી સરઘસ કાઢ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સોશિયલ મિડિયામાં વીડિયો વાયરલ થતા જ તપાસ કરી હુમલો કરનાર આદિત્ય ચારણ (સચિન જીઆઇડીસી) મેહુલ પરમાર (વૃંદાવન સોસાયટી કનકપુર), જશવંત કુંભબિહારી (જલારામનગર સચિન) અને મનિષ પ્રજાપતિ (સચિન જીઆઇડીસી)ને પકડી પાડ્યા હતા.