
- સતલાસણના જશપુરીયા ખાતે રાજ્યપાલે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો,
- લોકોને આરોગ્ય પ્રદ આહાર મળે તે માટે પ્રાકૃતિક કૃષિ અપનાવીએઃ રાજ્યપાલ,
- રાજ્યપાલએ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર‘ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પની પણ મુલાકાત લીધી
મહેસાણાઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ મહેસાણાના સતલાસણા તાલુકાના જશપુરીયા ખાતે આયોજિત ‘પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ’ કાર્યક્રમમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતમાં કૃષિ માત્ર એક વ્યવસાય નહીં, પણ સંસ્કૃતિ અને જીવનશૈલીનું અભિન્ન અંગ છે. વર્ષો સુધી આપણે પરંપરાગત ખેતી પદ્ધતિઓ અપનાવી છે, જે કોઈ પણ પ્રકારના રાસાયણીક ખાતર કે દવા વગર કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં રાસાયણિક ખાતરો અને ઝેરી કીટનાશકોના વધતા ઉપયોગના પરિણામે જમીનની ઉપજશક્તિ ઘટી છે, પાણીના સ્ત્રોતો પ્રદૂષિત થયા છે અને માનવીના આરોગ્ય પર પણ ભયાનક અસર પડી છે. આવા સમયમાં “પ્રાકૃતિક ખેતી” એ માત્ર જ વિકલ્પ નહીં, પરંતુ આવશ્યકતા બની ગઈ છે.
આજે વિશ્વ સામે જળવાયુ પરીવર્તનની મોટી સમસ્યા પેદા થઇ છે. પર્યાવરણ પર વિપરીત પરિસ્થિતિને કારણે જીવ સૃષ્ટિ પર તેના ખરાબ પરિણામો જોવા મળ્યા છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધે છે, જેના પરીણામે જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી 30 એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે. નહીવત ઉત્પાદન ખર્ચ અને વધારે ભાવ મળતા ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. જેના થકી ખેડૂતો આત્મનિર્ભર બને છે.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવો જણાવતા કહ્યું હતું કે, કુરુક્ષેત્રમાં 180 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી, જેમાં પ્રતિ વર્ષ પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન વધતું રહ્યું. સાથે જ પ્રાકૃતિક ખેતીના કારણે જમીનની ગુણવત્તા સુધરી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાસાયણિક ખેતીએ જમીનને ઝેરયુક્ત બનાવી દીધી છે ત્યારે પ્રાકૃતિક કૃષિના માધ્યમથી જમીનને ઝેર મુક્ત બનાવી લોકોને આરોગ્ય પ્રદ આહાર મળે તે માટે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી જોઈએ.
રાજ્યપાલએ પશુપાલન અંગે વાત કરતા કહ્યું કે, હાલના સમયે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પશુપાલન કરવું જોઈએ. પોતાના ગુરુકુળમાં થતી પશુપાલન પ્રવૃત્તિઓનું ઉદાહરણ આપીને વધુ દૂધ આપતી ઓલાદોનો ઉછેર કરીને પશુપાલન કરવા ખેડૂતોને પ્રેરિત કર્યા હતા.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અગાઉ રાજ્યપાલએ ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ અને જશપુરીયા ગામના ખેડૂત શામજીભાઈ ચૌધરીના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર જશવંત કે. જેગોડા, ખેતી નિયામક કે.એસ.પટેલ, ગામના સરપંચ રાજેન્દ્ર ચૌધરી વિવિધ અમલીકરણ અધિકારીઓ, માસ્ટર ટ્રેનર ખેડૂતો, કૃષિ સખી બહેનો, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.