અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026: શહેરના વેજલપુર-વિશાલા રોડ પર ફિલ્મી ઢબે પીછો કરીને રાજસ્થાનની અત્યંત કુખ્યાત અમન બચ્ચા ગેંગના બે સાગરીતોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે બન્ને સાગરિતોને પકડવા માટે સાત કલાકની જહેમત ઊઠાવ્યા બાદ સફળતા મળી હતી. બંને આરોપીઓ ખંડણી, હત્યાનો પ્રયાસ, ટાર્ગેટેડ શુટીંગ, આર્મ્સ એકટ સહિત 20થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા છે. અમદાવાદમાં પણ ખંડણીના નેટવર્ક માટે ટાર્ગેટ શોધી રહ્યા હતા ત્યારે જ શહેર ક્રાઈમ બ્રાન્ચે બન્ને દબોચી લીધા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઈ મોડી રાતથી બન્ને આરોપીને પકડવા ઓપરેશન ચાલું કર્યું હતું. આ દરમિયાન બંને આરોપીઓને આજે વહેલી સવારે વેજલપુર – વિશાલા રોડ પરથી ઝડપી પાડ્યા હતા. આ ગેંગ ગુજરાતને પોતાનું નવું ઠેકાણું બનાવી અહીંથી ગુનાહિત સામ્રાજ્ય ચલાવવાના પ્રયત્નમાં હતા. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોટાના અમન ઉર્ફે બચ્ચા અને સુહેબ ઉર્ફે ચિન્ટુ નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે. રોહિત ગોદારા લોરેન્સ બિશ્નોઈ ગેંગના સૂત્રધાર ગોલ્ડી બ્રારનો ખાસ સાગરીત છે. આ ગેંગ ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં દારૂના ઠેકેદારો, જાણીતી હસ્તીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, મોટી મોટી હોસ્પિટલો પાસેથી ખંડણી ઉઘરાવવાનું, કોન્ટ્રાક્ટ કિલીંગ જેવા ગંભીર ગુના આચરે છે.
આ મામલે ક્રાઈમ બ્રાંચના પીઆઈ I. N. ઘાસૂરાએ જણાવ્યું હતું કે, અમન બચ્ચા ગેંગ એક અત્યંત ખતરનાક અને સોપારી કિલર પ્રકારના ગુનેગારોનું ગ્રુપ છે, જે હુમલો કરવામાં જરાપણ અચકાતા નથી. પોલીસને બાતમી મળી હતી કે તેઓ અમદાવાદમાં પોતાનું સેટઅપ કરવા માટે સ્થાનિક સંપર્કો શોધી રહ્યા છે, જો કે પોલીસ પાસે શરૂઆતમાં તેમના કોઈ મોબાઈલ નંબર કે અન્ય વિગતો નહોતી. સતત ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ ટ્રેસિંગ અને ઇન્ફોર્મર્સની મદદથી પોલીસ તેમની પાછળ લાગી હતી. જ્યારે પોલીસ એકદમ નજીક પહોંચી ત્યારે આરોપીઓને શંકા થતાં તેઓએ ક્રેટા ગાડી ફુલ સ્પીડમાં ભગાવી હતી, પરંતુ ક્રાઈમ બ્રાંચની ટીમે જીવના જોખમે પીછો ચાલુ રાખ્યો અને હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ તેમને રસ્તા પર જ આંતરી લીધા હતા અને બંનેની ધરપકડ કરી હતી.


