1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં રોડ રિપેરીંગ કામગીરીનું કર્યું નિરીક્ષણ
અમદાવાદઃ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં રોડ રિપેરીંગ કામગીરીનું કર્યું નિરીક્ષણ

અમદાવાદઃ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં રોડ રિપેરીંગ કામગીરીનું કર્યું નિરીક્ષણ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં વરસાદી માહોલ વચ્ચે પુલો અને રસ્તાઓ પર થયેલી અસરને પગલે માર્ગ વ્યવસ્થા જળવાય રહે તે માટે રાજ્ય સરકારે વિશેષ અભિયાનના અમલનો દ્રઢ નિણય લીધો છે. આ ખાસ અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના સૂચના અન્વયે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડમાં પેચવર્ક, સમારકામ, ડામર, લેવલીંગની કામગીરી કરવામાં આવી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની લોકોને પડતી મુશ્કલીનું ઝડપી નિરાકરણ લાવવા દરરોજ સવારે નિયમિત અમદાવાદના વિવિધ ઝોનની મુલાકાત લેતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મંગળવારે સવારે 7.30 થી 8.30 દરમિયાન અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગર વોર્ડ ખાતે વિરાટનગર બસ સ્ટેન્ડ પાસે ચાલી રહેલી રોડ રિ-સ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથો સાથ અમદાવાદનાં વિરાટનગરથી સોનીની ચાલી તેમજ નિકોલ ગામ ખાતે વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર થઈ રહેલા પેચવર્કનું પણ નિરીક્ષણ કર્યું હતું.

આ અંગે વાત કરતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરના તમામ રસ્તાઓ પર દરરોજ સવારે નિરીક્ષણ કરીને જ્યાં પણ ખાડા હોય એનું તરત જ સમારકામ કરવામાં આવે છે. રોજે રોજ યુદ્ધના ધોરણે જે કોઇ રસ્તા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત હોય અથવા બીજા કામ જેમ કે વોટર કે ડ્રેનેજ કે પછી સિવરેજના કામોના કારણે માર્ગ ક્ષતિગ્રસ્ત હોય એવા તમામ કામોના સમારકામ પણ સાથો સાથ કરવામાં આવી રહ્યા છે.

બંછાનિધિ પાનીએ વધુમા ઉમેર્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ઇન્ફ્રારેડના મશીનો છે, જેના થકી અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં જેટ પેચરના દ્વારા અત્યારે કામ થઈ રહ્યું છે. જેટ પેચરમાં નાના-નાના જે ખાડા હોય એનું સમારકામ કરવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પોતાનો હોટ મિક્સ પ્લાન્ટ છે, આ હોટ મિક્સ પ્લાન્ટ પણ પીપળજમાં કાર્યરત છે. આ પ્લાન્ટની કેપેસિટી 180 ટન પર અવર છે. આ સાથે એક ખાનગી હોટમિક્સ પ્લાન્ટ પણ છે.

તેમણે વધુમાં કહ્યું કે, કોર્પોરેશન દ્વારા કોલ્ડ મિક્સના બેગ લેવામાં આવે છે. લગભગ અત્યાર સુધી 14,500 જેટલા કોલ્ડ મિક્સના બેગનો વપરાશ થયો છે. આ ઉપરાંત 7500 ટનના હોટમિક્સ જે છે એ મટીરિયલનો પણ ઉપયોગ આ કામગીરીમાં કરવામા આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વધુમા ઉમેર્યું કે, અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના તમામ જે ફિલ્ડ સ્ટાફ છે એ ફિલ્ડ સ્ટાફ દરરોજ સવારે 7.00 વાગ્યાથી લઈને 9.00 વાગ્યા સુધી કાર્યરત હોય છે. આ ઉપરાંત સવારે અને રાત્રે જ રોડ રસ્તાના સમારકામની કામગીરી કરવામાં આવે છે, જેનાથી દિવસ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની અડચણ ન થાય.

તેમણે વધુમાં ઉમેર્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવિધ માધ્યમો થકી ફરિયાદો મળતી હોય છે, જેમાં સીસીઆરએસ કમ્પ્લેન્ટ મોનિટરીંગ સિસ્ટમ દ્વારા લોકોની ફરિયાદ આવે છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી જે કેમેરા છે એ કેમેરામાં પણ કોઈપણ ખાડા દેખાય તો એ આપણે પ્રોએક્ટિવ રીતે એ ખાડાઓનું તરત જ મોનિટરીંગ કરીને એનું સમારકામ કરીએ છીએ.

અત્યાર સુધીમાં 7326 જેટલા ખાડાઓ અલગ અલગ કમ્પ્લેન્ટસના માધ્યમ થકી કે પછી કોર્પોરેશનના કેમેરા થકી ધ્યાને આવ્યા આવ્યા છે. જેમાંથી 6594 જેટલા ખાડાઓને પૂરી દેવામાં આવ્યા છે, એટલે કે તેનું તરત જ સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code