
- મ્યુનિ. નોકર મંડળ દ્વારા વિવિધ માંગણીઓને માટે રેલી કાઢવામાં આવી હતી,
- AMCના ફાયર બ્રિગેડના કર્મચારીઓના સમય અંગે રજુઆત કરવામાં આવી,
- કાલે એક દિવસની હડતાળ બાદ પ્રશ્નો નહીં ઉકેલાય તો અચોક્કસ મુદતની હડતાળ પડાશે
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સફાઈની કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, અને કોન્ટ્રાકટરો દ્વારા સફાઈ કામદારોની હંગામી ભરતી કે રોજમદાર પર લઈને શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા સહિતની માગણીઓના ઉકેલ માટે મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. છતાંપણ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હવે કાલે મંગળવારે હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં સફાઈ કામગીરી કરનારા કામદારો દ્વારા આવતી કાલે મંગળવારે હડતાલની જાહેરાત કરવામાં આવી છે. મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા એએમસીમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાથી લઈ વિવિધ માંગણીઓને લઈ મોટી રેલી કાઢવામાં આવી હતી અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું તેમજ મ્યુનિના પરિસરમાં કામદારો ધરણા પર પણ બેઠા છે તેમછતાં પણ કોઈ નિરાકરણ ન આવતા હવે પ્રતિક હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ નોકર મંડળનાં જનરલ સેક્રેટરી કલ્પેશ મકવાણા અને કાર્યકારી પ્રમુખ ચંદ્રકાંતભાઇએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન નોકર મંડળ દ્વારા સફાઇ કામદારોની કોન્ટ્રાક્ટર તથા અને ફાયર બ્રિગેડના કર્મચારીઓના સમય અંગેની અલગ માંગણીઓ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ માંગણીઓ સ્વીકારવામાં આવે તો એએમસીની તિજોરી ઉપર કોઇ નાણંકીય બોજ વધવાનો નથી. તે જાણવા છતાં કોઇ નક્કર નિર્ણય લઇ રહ્યાં નથી. જેથી નોકર મંડળે તમામ સફાઇ કામદારો સહિતનાં યુનિયનનાં સભ્યોને મંગળવારે એક દિવસ ફરજ પરથી અળગા રહેવા અંગેનો નિર્ણય કર્યો છે. આમ, એક દિવસની હડતાલ કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ હડતાલ બાદ પણ જો એએમસીના સત્તાધીશો દ્વારા કોઈ સમાધાનકારી વલણ નહિ અપનાવે તો નોકર મંડળને અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ફરજ પડશે અને તહેવારોમાં શહેરીજનોને કોઇપણ પ્રકારની હાલાકી પડશે તો તેના માટે સત્તાધીશો જ જવાબદાર ગણાશે. નોકર મંડળ દ્વારા સફાઇ કામદારોની ભરતી અને અન્ય માંગણીઓ રજૂ કરી છે તેમાં અમુક માંગણીઓ એવી છે. જે સ્વીકારવામાં આવે તો રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ તેમજ પાલિકા વગેરે જગ્યાએ તેની અસર પડે તેમ છે. વહિવટી તંત્ર દ્વારા નોકર મંડળની માંગણીઓને લઇ શાસક ભાજપ સાથે પણ ચર્ચા-વિચારણા કરી છે અને તેમાં શાસક ભાજપે વહિવટી વડાને યોગ્ય હોય એવી માંગણી સ્વીકારવા સૂચન કર્યુ હોવાનું જાણવા મળ્યુ છે.