
ગુજરાત યુનિવર્સિટીની કરોડો રૂપિયાની જમીન સિન્ડિકેટ સભ્યની કલબને પધરાવી દીધાનો આક્ષેપ
- ગુજરાત યુનિ.ની 500 કરોડની જમીનકલબને પધરાવી દીધીઃ ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ,
- સીન્ડીકેટ સભ્યની કલબ પાંચ લાખ થી પંદર લાખ સુધીની મેમ્બરશીપ ફી ઉઘરાવશે,
- કોંગ્રેસ દ્વારા “ગુજરાત યુનિવર્સિટી બચાવો અભિયાન” શરૂ કરાશે,
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલએ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આચરાયેલા 500 કરોડથી વધુના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા જણાવ્યુ છે કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનની દ્રોણાચાર્ય રાઇફલ ક્લબને 10000 વાર જગ્યા ફાળવી દીધી છે. અમદાવાદના મધ્યમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીની 500 કરોડની જમીન મફતમાં સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનની સંસ્થાને આપી દીધી છે. જે સંસ્થાના સંચાલક જમીન માંગે તે જ પોતે યુનિવર્સિટીમાં જમીન આપવાની કમિટીમાં બેસે તે વાડ જ ચીભડાં ગળી ગઈનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીને સરકાર નિયુક્ત આશિષ અમીનની સંસ્થા ઉપર એટલો બધો પ્રેમ આવ્યો કે ટેન્ડરની શરતોમાં બદલાવ લાવી દીધા. આશિષ અમીનની સંસ્થાને આખેઆખું વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિન્ડિકેટની સંસ્થાને અનુકૂળ પડે તેમ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બાંધી આપશે, જે પહેલા સંસ્થા દ્વારા બાંધવાની શરત હતી. ટેન્ડરની શરત પ્રમાણે કોઈ પણ રાષ્ટ્રીય, અંતરરાષ્ટ્રીય શૈક્ષણિક, ટ્રેનિગ ઈવેન્ટ હોસ્ટ તરીકે સંસ્થા હોય તેમાં આવનારા પ્રતિનિધિની વૈભવી હોટેલમાં રહેવા, આલીશાન સ્પોર્ટ્સ હોસ્ટેલ તથા તેમના ખાણીપીણીની વ્યવસ્થા સંસ્થાને કરવાની જોગવાઈ બદલી તે ખર્ચ ગુજરાત યુનિવર્સિટી પોતે ઉઠાવશે જાણે કે યુનિવર્સિટીના આંગણે લગન હોય. આ ક્લબમાં ખાણીપીણી સાથે અદ્યતન વ્યવસ્થાથી સજ્જ જિમનેશિયમ સહિતની વ્યવસ્થા ટેન્ડરની પૂર્વ શરત મુજબ ક્લબ દ્વારા કરવાની હતી તે શરત બદલી ને તે ખર્ચ ગુજરાત યુનિવર્સિટીના માથે લઈ લીધો છે. વીજળી, હાઉસકીપીંગ (સાફસફાઈ), સિક્યોરિટી, પાણી, ડ્રેઇનેજ ની વ્યવસ્થા ક્લબ દ્વારા કરવાની શરત હતી તેને બદલી ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ ખર્ચને ચૂકવવા માં આવશે. ગુજરાત યુનિવર્સિટીના કરોડો રૂપિયાના ખર્ચે વૈભવી ક્લબનું સંચાલન થશે.
તેમણે આક્ષેપ કરતા કહ્યુ હતું કે, દ્રોણાચાર્ય ક્લબ દ્વારા અલગ અલગ ફીના ધોરણ નક્કી કરીને ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યા હતા તેની રજિસ્ટ્રારને પૂછતાં જવાબ આપવાની જગ્યા એ તે વિગતને વેબસાઇટ પરથી દૂર કરી દેવામાં આવી હતી. ક્લબ દ્વારા સામાન્ય વિદ્યાર્થીને બિલકુલ પોષાય નહીં અને માત્ર માલેતુજાર માટેની ક્લબ હોય તેવું તેના ક્લબ ફી સ્ટ્રક્ચરથી ફલિત થાય છે. લાઇફ મેમ્બરશિપના 500000, અન્ય ક્લબથી લાઇફટાઈમ ટ્રાન્સફરના 300000, ઓર્ડિનરી ઇન્સ્ટિટ્યુશનલ મેમ્બરશિપના 750000, લાઇફ ટાઈમ ઇન્સ્ટિટ્યૂશનલ મેમ્બરશિપના 15૦૦૦૦૦, જ્યારે 5૦૦૦ નોન રિફંડેબલ ફી ની જાહેરાત ક્લબ દ્વારા કરી દેવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીની જમીનનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટેની જગ્યાએ માલેતુજાર ક્લબને આપી દેવામાં આવી છે. જ્યારે કોમન એક્ટનો કાળો કાયદો લાગુ કરવામાં આવ્યો ત્યારે વારંવાર ચેતવણી આપવામાં આવી હતી કે લોકતાંત્રિક સત્તા દૂર કરીને સરકારના મળતિયાઓ યુનિવર્સિટીઓની જમીન નો વેપલો કરશે, તે આજે સાચું પુરવાર થઈ રહ્યું છે. આગામી દિવસોમાં પૂર્વ સિન્ડિકેટ સભ્યો, સેનેટ સભ્યો, પૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીઓ સાથે મળી ગુજરાત યુનિવર્સિટી બચાવો અભિયાનની શરૂઆત કરીને આંદોલનને વેગ આપશે.