
- રોડ સાઈડ પર ઊભેલા બે બાઈક સવારોને ઉડાવ્યા,
- અકસ્માતની ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ,
- રોડ સાઈડ પર ઊભેલી બે મહિલા માંડ બચી
ભાવનગરઃ રાજ્યના નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ભડી ટોલનાકા પાસે હાઈવે પર એક ખાનગી એમ્બ્યુલન્સે રોડ સાઈડ પર બાઈક સાથે ઊભેલા બે પરપ્રાંતીય યુવકોને અડફેટે લઈને ઉડાવ્યા હતા. જ્યારે બે મહિલાઓનો બચાવ થયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
અકસ્માતના આ બનાવની વિગતો એવી છે કે, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પૂરફાટ ઝડપે જતી એમ્બ્યુલન્સએ બાઈક સવાર બે યુવાનોને ઉડાવ્યા હતા.. ‘ચિરંજીવી’ નામની ખાનગી એમ્બ્યુલન્સ (નંબર GJ-04 AW-5128) તળાજા તાલુકાથી એક દર્દીને ભાવનગર મૂકીને પરત ફરી રહી હતી. ત્યારે ભડી ટોલનાકા પાસે પહોંચતા, એમ્બ્યુલન્સના ચાલકે અચાનક ડાબી સાઈડમાં જઈને ગફલતભરી રીતે સાઇડ કાપવા માટે વાહનનું સ્ટીયરિંગ ફેરવીને રોડની બાજુમાં બાઈક સાથે ઊભેલા બે યુવકોને જોરદાર ટક્કર મારી ઉડાવ્યા હતા. આ બંને યુવકો પરપ્રાંતીય મજૂર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નજીકમાં ઉભેલી બે મહિલાઓનો આબાદ બચાવ થયો છે.
અકસ્માત સમયે બંને યુવકોની નજીક બે મહિલાઓ પણ ઊભી હતી. સદભાગ્યે, એમ્બ્યુલન્સની અડફેટમાં આવતા તેઓ આબાદ બચી ગઈ હતી. જોકે, આ ઘટનામાં બંને યુવાનોને સામાન્ય ઇજાઓ થવા પામી છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને યુવકો ફંગોળાઈને દૂર સુધી પટકાયા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. એમ્બ્યુલન્સ ચાલકની બેદરકારી સ્પષ્ટ દેખાતી હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.