
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રના અંતર્ગત ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન રૂબિયોએ જણાવ્યું કે, “અમેરિકા માટે ભારત સાથેના સંબંધો અત્યંત મહત્વપૂર્ણ છે, ભારતના યોગદાન વિના અમેરિકાનો વિકાસ અધૂરો છે.”
બંને દેશો વચ્ચે વેપાર, રક્ષા, ઊર્જા, દવાઓ, મહત્વના ખનિજો અને અન્ય ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી. રૂબિયોએ ભારત સરકારની સતત ભાગીદારીની પ્રશંસા કરતાં કહ્યું કે, બંને દેશો વ્યૂહાત્મક ક્ષેત્રોમાં મળીને વધુ ઝડપી પ્રગતિ કરશે, સાથે જ બંને નેતાઓએ ક્વાડ (QUAD) મારફતે સ્વતંત્ર અને ખુલ્લા હિંદ-પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવા સહયોગ ચાલુ રાખવા સંમતિ વ્યક્ત કરી હતી.
આ બેઠક એ સમયે યોજાઈ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા H-1B વીઝા પર 1 લાખ અમેરિકી ડોલર ફી લગાવવાનો આદેશ આપ્યો છે. તેનો સીધો પ્રભાવ ભારતીય આઈટી અને મેડિકલ પ્રોફેશનલ્સ પર જોવા મળ્યો છે, સાથે જ અમેરિકા દ્વારા રશિયાથી તેલ ખરીદવા બદલ ભારત પર વધારાના 25% ટેરિફ લગાવવામાં આવ્યા છે, જેના કારણે કુલ શુલ્ક દર 50% પર પહોંચી ગયો છે, જે વિશ્વમાં સૌથી વધારે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જયશંકર અને રૂબિયોની મુલાકાત તે જ દિવસે થઈ, જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે નવા વેપાર કરાર માટેની વાતચીત શરૂ થઈ હતી. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલના નેતૃત્વ હેઠળ ભારતીય પ્રતિનિધિમંડળે ન્યૂયોર્કમાં અમેરિકી પક્ષ સાથે બેઠક કરી, જેથી વહેલી તકે પરસ્પર લાભદાયી કરાર સુધી પહોંચી શકાય.
વિદેશ મંત્રી જયશંકરે યુરોપિયન યુનિયનના વિદેશ મંત્રીઓ સાથે પણ મુલાકાત કરી હતી અને બહુપક્ષવાદ, ભારત-યુરોપિયન યુનિયન ભાગીદારી, યુક્રેન સંઘર્ષ, ગાઝા, ઊર્જા અને વેપાર જેવા મુદ્દાઓ પર ખુલ્લેઆમ વિચાર વિમર્શ કર્યો હતો. એ સિવાય અમેરિકા ના દક્ષિણ અને મધ્ય એશિયા મુદ્દાઓના વિશેષ દૂત અને ભારત માટે નિમણૂક થયેલા રાજદૂત સર્જિયો ગોરએ પણ જયશંકર સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા ચર્ચા કરી હતી. જયશંકર હાલમાં ન્યૂયોર્કમાં છે અને 27 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતનું રાષ્ટ્રીય નિવેદન રજૂ કરશે.