1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં વરસાદી પાણી ભરાતા અમિત શાહે મ્યુનિના અધિકારીઓનો ક્લાસ લીધો
ગાંધીનગરમાં વરસાદી પાણી ભરાતા અમિત શાહે મ્યુનિના અધિકારીઓનો ક્લાસ લીધો

ગાંધીનગરમાં વરસાદી પાણી ભરાતા અમિત શાહે મ્યુનિના અધિકારીઓનો ક્લાસ લીધો

0
Social Share
  • ગાંધીનગર મ્યુનિના અધિકારીઓની બેઠક બોલાવી,
  • હલકી ગુણવતાની કામગીરી અંગે અમિત શાહે નારાજગી વ્યક્ત કરી,
  • પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર રહ્યા

ગાંધીનગરઃ શહેરમાં વરસાદને લીધે રોડ પર પાણી ભરાતા અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ ગયો છે. ઉપરાંત વિકાસના કામોમાં ગુણવત્તા જળવાતી ન હોવાની ફરિયાદો ઊઠતા મ્યુનિ. કોર્પોરેશનની કામગીરીથી ગૃહમંત્રી અમિત શાહ બરાબરના નારાજ થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મ્યુનિનામઅધિકારીઓનો ઉધડો લીધો હતો. તેમજ તેમણે બેઠકમાં અધિકારીઓને ફટકાર લગાવી હતી.

સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની કામગીરીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારાજ થયા છે. ગઈ કાલે દિશાની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે GMC ના પદાધિકારીઓ અને અધિકારીઓનો ઉધડો લીધો હતો. પરિણામે અમિત શાહની ફટકાર બાદ આજે રજાના દિવસે પણ GMC ના પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં GMC ના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીગ કમિટી ચેરમેન, મ્યુન્સીપલ કમિશ્નર, ડેપ્યુટી મ્યુન્સિપલ કમિશ્નર સહિતના પદાધિકારી-અધિકારીઓ હાજર રહ્યાં હતા.

વરસાદ બાદ ગાંધીનગરમા ભરાયેલા પાણી અને મ્યુનિના વિકાસના કામોમાં હલકી ગુણવતાની કામગીરી અંગે અમિત શાહે નારાજગી વ્યક્ત કરી હતી. અને મ્યુનિના અધિકારી-પદાધિકારીઓનો ક્લાસ લીધો હતો. જેથી GMC ના લેવાયેલા કલાસ બાદ તાબડતોડ બેઠક બોલાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગઈકાલે ગાંધીનગર ખાતે દિશાની બેઠકમાં હાજરી આપી હતી. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે દિશાની બેઠકનું આયોજન કરાયું હતુ. દિશા એ ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કોર્ડીનેશન એન્ડ મોનેટરીંગ કમિટી છે જે જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરે છે. ગઈકાલે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિમા ગાંધીનગર જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ હતી. ગાંધીનગરના સાંસદ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ગાંધીનગર જિલ્લાના સાંસદો, ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. ગાંધીનગર જિલ્લા સ્તરે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code