- વડોદરા નજીક જૂદા જૂદા 3 અકસ્માતના બનાવોમાં બેના મોત,
- ટ્રકે બાઈકને અડફેટે લીધા બાદ પાછળ આવતા વાહનો એકબીજા સાથે અથડાયા,
- અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા,
વડોદરાઃ જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે 48 પર એક સાથે 5 વાહનોનો એકબીજા સાથે અકસ્માત સર્જાયો હતો. ટ્રકે બાઈકને અડફેટે લેતા ટ્રકની પાછળ ચાર વાહનો એક પછી એક અથડાયા હતા. જ્યારે અકસ્માતના અન્ય એક બનાવમાં ટ્રકચાલકે બાઇકચાલકને અડફેટે લેતા એક મહિલાનું મોત નીપજ્યું હતુ.
વડોદરા પાસે આવેલા કરજણ નજીક નેશનલ હાઈવે 48 પર વિચિત્ર અકસ્માતમાં એક સાથે પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. પહેલા ટ્રકચાલકે બાઇકને અડફેટે લેતા પાછળ આવતા વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માત વરસાદી માહોલ હોવાથી વિજિબિલિટી ઓછી હોવાના કારણે સર્જાયો હતો. આ વિચિત્ર અકસ્માતને લઈ હાઇવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઇજાગ્રસ્ત બાઇકસવારને સારવાર અર્થે 108 દ્વારા પાલેજ લઈ જવાયો હતો.
અકસ્માતના અન્ય એક બનાવમાં કરજણ નેશનલ હાઈવે પર આવેલા બામણગામની સીમમાં આત્મીય ઇન્ડસ્ટ્રીયલ પાર્કના બીજા ગેટ પાસે રોડ પર ટ્રકચાલકે બેદરકારીપૂર્વક ટ્રક હંકારી બાઇકચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કરજણ તાલુકાના લતીપુર ટીંબીગામ નવી નગરીના 35 વર્ષીય ચંપાબેન રાજુભાઈ જેઠાભાઈ વસાવાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ બનાવને લઈ કરજણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતના ત્રીજા બનાવમાં વડોદરા તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા સમિયાલા સેલ પેટ્રોલ પંપની આગળ પાદરાથી વડોદરા આવતા રોડ પર અજાણ્યા વાહનચાલકે એક અજાણ્યા 30થી 35 વર્ષના પુરુષને અડફેટે લેતા કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવમાં અજાણ્યો પુરુષ કોણ છે? તેના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે. આ મામલે તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


