
- માર્કેટના 4થા માળે લાગેલી આગમાં અનેક દુકાનો બળીને ખાક
- ફાયરની 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
- મંગળવારે માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હતી
સુરતઃ શહેરના રિંગ રોડ પર આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ગઈકાલની જેમ આજે ફરી ભીષણ આગ લાગી છે. ટેક્સટાઈલ માર્કેટના 1થી 4 ફ્લોર પર ફેલાયેલી આગના પગલે અનેક દુકાનો આગની ઝપેટમાં આવી છે. આગ વધુ ફેલાવાના પગલે 20થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. સવારે 7 વાગ્યાની આસપાસ માર્કેટમાં લાગેલી આગ છેલ્લા 9 કલાકથી કાબુમાં આવી નથી. ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલવામાં આવી રહ્યો છે. ઓક્સિજન માસ્ક પહેરી ફાયર અધિકારીઓ અલગ અલગ ફ્લોર પર પહોંચ્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા છે. ભીષણ આગમાં ચાર માળમાં અનેક દુકાનો બળીને ખાક થઈ ગઈ છે અને વેપારીઓને કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.
ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ ખૂબ જ મોટા પ્રમાણમાં અંદર ફેલાઈ રહી છે. કેટલાક ફાયરના અધિકારીઓ પણ અંદર ફસાઈ ગયા હતા, જેઓ બહાર આવી ગયા છે. ફાયર ઓફિસર દિનેશ જે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે અહીં ખૂબ મોટા ધડાકા થઈ રહ્યા છે. હજી અંદર પણ મોટા પ્રમાણમાં આગ લાગી છે. અલગ-અલગ સ્ટેશનની ગાડીઓને બોલાવી લેવામાં આવી છે. અત્યારે આગ ઉપર કંટ્રોલ લાવવા માટેની કામગીરી હાથ ધરાઇ છે. ચારથી પાંચ માળ સુધી આગ પ્રસરી ચૂકી છે. કયા કારણસર આગ લાગી છે એ તપાસ હજી ચાલી રહી છે, પરંતુ, પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિસિટી ચાલુ થવાથી એકાએક ધડાકા થયા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટના બેઝમેન્ટમાં ગઈકાલે લાગેલી આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો, પરંતુ આજે સવારે ફરીથી એકાએક આગ લાગી ગઈ છે. પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે કોઈક વ્યક્તિ દ્વારા ઈલેક્ટ્રિક સ્વિચને શરૂ કરવામાં આવી હતી, જેને કારણે આગ લાગી છે. શિવશક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ફાયરની સુવિધા પણ છે, અને તેમણે એનઓસી પણ લીધી છે છતાં પણ આ કયા કારણસર આગ લાગી છે એની તપાસ કરવામાં આવી રહી છે.
ગઈકાલે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં ચારથી પાંચ દુકાનોમાં આગ લાગી હતી. આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. માર્કેટનો સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા. એકાએક આગ લાગતાં લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા. જોકે ACના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની 20થી 25 ગાડીઓ સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા, જોકે ધુમાડામાં ગૂંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.