- 200 વિઘામાં ઊભા પાકને નુકશાન,
- ખેડુતોએ જાણ કરવા છતાંયે કોઈ અધિકારી હજુ જોવા પણ આવ્યા નથી,
- કેનાલના ગરનાળામાં કચરો હોવાથી કેનાલ ઓવરફ્લો થઈ
સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના ધામા ગામની સીમમાં કેનાલ ઓવરફ્લો થતાં આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ખેડુતોના ઊભા પાકને નુકશાન થયુ હતુ. ખેડૂતોએ મશીનો મૂકીને ખેતરોમાં ફરી વળેલા પાણી બહાર કાઢ્યા હતા. કેનાલ ઓવરફ્લો થયાની ખેડુતોએ નર્મદા કેનાલ વિભાગના અધિકારીઓને ફરિયાદ કરી છે. દરમિયાન કેનાલના અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે, કેનાલ આગળ ગરનાળામાં કચરે ભરાઈ જતાં પાણી આગળ જતું બંધ થતાં કેનાલ ઓવરફ્લો થઈ હતી.
ગુજરાતભરમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને અને એમાંય પાટડી તાલુકાને થઈ રહ્યો છે. આ વિસ્તારમાં નર્મદા કેનાલ આશીર્વાદ સમાન બની છે. દસાડા તાલુકાના 89 ગામોમાંથી 87 ગામો નર્મદા કેનાલનો લાભ લઈ રહ્યા છે. ત્યારે ખેડૂતો માટે આશીર્વાદ સમી નર્મદા કેનાલ ધામાના ખેડૂતો માટે આફતરૂપ બની હતી. પાટડી તાલુકાના ધામા ગામમાંથી પસાર થતી વચ્છરાજપુરા બ્રાન્ચ કેનાલ ઓવર ફ્લો થતાં કેનાલ આજુબાજુના ખેતરો સહીત અંદાજે 200 વીઘાના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકશાન વેઠવું પડ્યુ છે. ધામાના અસરગ્રસ્ત ખેડૂતોએ મશીનો મૂકીને ખેતરોમાં ફરી વળેલા પાણી બહાર કાઢ્યા હતા. જયારે ખેડૂતો ચણાના વાવેતરની તૈયારી કરી રહી હતી, ત્યાં જ ખેડૂતો પર આફતનો પહાડ તૂટી પડ્યો હતો. ખેડૂતો દ્વારા નર્મદા વિભાગને જાણ કરવા છતાં હજી સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ અંગે ધામા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા જંગલ કટીંગ કર્યા બાદ બીજુ કોઈ જ કામ કર્યું નથી. કુવા કે કેનાલ સાફ કરી નથી, જો એ સાફ કર્યા હોત તો પાણી સરળતાથી આગળ વહી જાત અને કેનાલ ઉપરની સાઈડ કરી હોત તો પણ આવી દશા ના થાત. જયારે આ અંગે નર્મદા વિભાગના અધિક ઈજનેરે જણાવ્યું કે, કેનાલના પાઇપમાં કચરો આવી જતા કેનાલ ઓવરફ્લો થઇ હતી. હાલ પાણી બંધ કરી કેનાલમાંથી કચરો દુર કર્યા બાદ કેનાલમાં પાણી છોડવામા આવશે.