- શાક માર્કેટ પાસેથી સિટીબસ પસાર થતાં બન્યો બનાવ,
- સિટીબસના ચાલકે બસ રોકી દેતા ટ્રાફિક જામ સર્જાયો,
- અંતે પોલીસે એક શખસને દબોચી લીધો
સુરેન્દ્રનગરઃ શહેરમાં સિટીબસ સેવા શરૂ કરવામાં આવી છે. અને નાગરિકો દ્વારા તેને સારોએવો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. દરમિયાન સિટી બસ ટાવર રોડ પરથી શાક માર્કેટ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ તોફાની શખસોએ સિટીબસના મહિલા કંડકટર પર રીંગણા અને ટમેટાં ફેક્યા હતા. રોજ આવી હરકતો કરવામાં આવતી હોવાથી સિટીબસના ચાલકે બસ ઊભી રાખતા ટ્રાફિક જામ સર્જાયો હતો. દરમિયાન આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસે દોડી આવીને એક શખસને દબોચી લીધો હતો. જ્યારે તેની સાથેના અન્ય શખસો નાસી ગયા હતા.
આ બનાવની વિગતો એવી છે કે, સુરેન્દ્રનગર શહેરમાં ટાવર રોડ પરથી સિટી બસ પસાર થાય છે ત્યારે શાક માર્કેટ પાસે કેટલાક આવારા તત્વો ચાલુ બસમાંથી શાકભાજી ફેંકે છે. શિયાણી પોળથી દૂધરેજ રૂટની સિટીબસ સાંજના સમયે ત્યાંથી પસરા થતી હતી ત્યારે મહિલા કંડક્ટર અને મુસાફરો ઉપર રીંગણા ફેંકવામાં આવ્યા હતા અને ગાળો બોલી મહિલા કંડક્ટર સાથે અણછાજતી હરકતો કરી હતી. આટલું જ નહીં જ્યારે ડ્રાઇવર નીચે ઉતરીને કહેવા ગયો તો તેમને પણ ઘેરી લીધો હતો. આથી સિટી બસ અટકાવી દેવામાં આવી હતી. જેને કારણે ટ્રાફિકજામ થઇ ગયો હતો. બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ આવી અને સમગ્ર મામલો સિટી એ ડિવિઝન લઇ જવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન બસના મહિલા કંડકટરે જણાવ્યું કે છેલ્લા દોઢ મહિનાથી આ સમસ્યા છે. ક્યારેક રીંગણા ફેંકે છે તો ક્યારેક ટમેટા,. તોફાની શખસોએ ચાલુ બસે રીંગણા ફેંક્યા જેથી વિરોધ કરતા પોલીસે. અડધો કલાકમાં એક આરોપીને દબોચી લીધો હતો.
આ આમલે પોલીસમાં ફરિયાદ કરતા જ પોલીસ તુરંત એક્સન મોડમાં આવી અને મહિલા કંડક્ટરને સાથે લઇ જઇને શાકમાર્કેટમાં ગયા હતા. જ્યાં એક વ્યક્તિને ઓળખી લેતા તેની અટકાયત કરવામાં આવી હતી. બાકીના બે શખસોની શોધખોળ ચાલુ છે. સિટી બસના મેનેજર મહાવિરસિંહ ગોહિલે કહ્યું કે, આવી ઘટનાઓ વારંવાર બને છે. તેને કારણે મહિલા કંડક્ટરો પરેશાન થાય જ છે. આથી આવી ઘટના ફરીથી ન બને તે માટે સિટી પોલીસને પગલાં લેવા વિનંતી કરી છે.