
- નર્મદા નદીમાં 2.45 લાખ ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા,
- ઉત્તર ગુજરાતના ધરોઈ, ગુહાઈ, હાથમતી અને હરણાવ ડેમમાં નવા નીરની આવક
વડોદરાઃ મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાં પાણી છોડાતા તેમજ નર્મદા નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 134.73 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાંથી પાણીની આવક વધતા ડેમના 15 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. ઉપરાંત પાવર હાઉસ મારફતે 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં કુલ 2 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. હલે 15 દરવાજા ખોલીને 2.45 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આજે ભરૂચ જિલ્લામાં પણ ધોરમાર વરસાદ પડ્યો હતો. નર્મદા નદી વિસ્તારમાં પણ વરસાદને લીધે જળસપાટીમાં દારો થઈ રહ્યો છે. અને નર્મદા નદી ભયજનક સપાટી વહી રહી છે.
ગુજરાતમાં વરસાદને કારણે મોટાભાગના જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે. 113 જળાશયો છલકાયા છે. જ્યારે 207 જળાશયો 81 ટકા ભરાયા છે. ત્યારે સાબરકાંઠામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલથી ડેમમાં નવા નીરની આવક થઈ છે. જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. ધરોઈ, ગુહાઈ, હાથમતી અને હરણાવ ડેમમાં નવા નીરની આવક જોવા મળી છે. ધરોઈ ડેમમાં 11,111 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ધરોઈ ડેમની સપાટી 185.82 મીટર, પાણીનો જથ્થો 57.68 ટકા છે. હાથમતી જળાશયમાં 350 ક્યુસેક આવક, પાણીનો જથ્થો 38.23 ટકા જોવા મળ્યો છે. ગુહાઈ ડેમમાં 1535 ક્યુસેક પાણીની આવક, 35.23 ટકા જથ્થો છે. આ તરફ હરણાવ ડેમમાં 110 ક્યુસેક આવક સામે 110 ક્યુસેક જાવક કરવામાં આવી છે.