
નવી દિલ્હીઃ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બહુપ્રતિક્ષિત રાષ્ટ્રપતિની ચર્ચા છે. બંને રાષ્ટ્ર સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. અને તેના માટે સ્ટેજ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ચર્ચા બેમાંથી એકના વ્હાઇટ હાઉસમાં જવાનો માર્ગ મોકળો કરશે. અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી છે. આજે યોજાનારી આ રાષ્ટ્રપતિની ચર્ચા પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મતદારો ઉમેદવારો વચ્ચે મહત્વના મુદ્દાઓ પર આ ચર્ચા દ્વારા પોતાનો અભિપ્રાય બનાવે છે. આ ડિબેટ બુધવારે સવારે ભારતના સમય મુજબ સવારે 7 થી 8 (મંગળવારે રાત્રે 9 વાગ્યે યુએસએના સમય અનુસાર) જોઈ શકાશે. આ પહેલા રાષ્ટ્રપતિ પદની પ્રથમ ચર્ચા 28 જૂને થઈ હતી. જેમાં વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આમને-સામને હતા. ટ્રમ્પને ડિબેટમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારથી ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો હતો. આ પછી, વધતી ઉંમર અને બગડતી તબિયતને ટાંકીને બિડેને ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ ડેમોક્રેટિક પાર્ટીએ કમલા હેરિસનું નામ આગળ કર્યું. તે ટ્રમ્પને સ્પર્ધા આપી રહી હોય તેવું લાગી રહ્યું છે.