
એશિયા કપ વિવાદમાં હવે નવો વળાંક આવ્યો : મોહસિન નકવીએ માંગી માફી
એશિયા કપ 2025ના ફાઇનલ પછી ઉઠેલા વિવાદ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસિન નકવીએ આખરે માફી માંગી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠક દરમિયાન નકવીએ કહ્યું કે, “જે થયું તે થવું જોઈતુ ન હતું, પરંતુ હવે આપણે નવી શરૂઆત કરવી જોઈએ. ટ્રોફી માટે હું તૈયાર છું, સૂર્યકુમાર યાદવ પોતે આવીને ટ્રોફી લઈ જાય.” ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ નકવીના હાથે ટ્રોફી સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો. બાદમાં તેઓ વિજેતા ટ્રોફી પોતાના સાથે હોટેલમાં લઈ ગયા હતા. ત્યારથી જ નકવીના વલણની ભારે ટીકા થઈ રહી હતી. બીજી તરફ એશિયા કપની ટ્રોફીને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં પણ નકવી માટે મુશ્કેલીઓ વધી રહી છે. પૂર્વ ક્રિકેટર શાહિદ અફ્રિદીએ ખુલ્લેઆમ નકવીનો વિરોધ કરતા જણાવ્યું કે, નકવીએ એક પદ પરથી રાજીનામું આપવું જોઈએ. હાલ નકવી PCB ચીફ હોવા ઉપરાંત પાકિસ્તાનના ગૃહ પ્રધાન પણ છે. અફ્રિદીએ કહ્યું કે, “પાકિસ્તાન ક્રિકેટ પર આ સમયે સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે.”
ભારતીય પૂર્વ ક્રિકેટર કીર્તિ આજાદે પણ નકવીના વર્તનને લઈને કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, “માફી માંગે છે કે નહીં, એ અલગ મુદ્દો છે, પરંતુ ટ્રોફી તેમની વ્યક્તિગત સંપત્તિ નહોતી. તેઓ એને લઈને કેવી રીતે ચાલી ગયા? આ તો એવું જ થયું કે આઉટ થયા પછી બેટ અને બોલ લઈને ચાલી ગયા.” જો કે, નકવીની માફી બાદ હવે જોવાનું રહેશે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ACC આગળ આ મામલો કેવી રીતે હલ કરે છે.