1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ATM ચોરની નવી મોડસ ઓપરેન્ડી, ગમ પટ્ટી લગાવીને કેવી રીતે રૂપિયા ઉપાડતા હતા, જાણો
ATM ચોરની નવી મોડસ ઓપરેન્ડી, ગમ પટ્ટી લગાવીને કેવી રીતે રૂપિયા ઉપાડતા હતા, જાણો

ATM ચોરની નવી મોડસ ઓપરેન્ડી, ગમ પટ્ટી લગાવીને કેવી રીતે રૂપિયા ઉપાડતા હતા, જાણો

0
Social Share
  • સુરત પોલીસે ચાર એટીએમ ચોરને ઝડપી લીધા
  • બેંકના ATM મશીનમાં કેશ ડિસ્પેન્શન સ્લોટ પર ડબલ ગમ પટ્ટી લગાવી દેતા હતા
  • ATMમાંથી પૈસા ઉપાડતા જ મશીનમાંથી બહાર આવતી નોટો ગમ પટ્ટીમાં ફસાઈ જતી હતી

સુરતઃ એટીએમમાં ગમ પટ્ટી લગાવીને ગ્રાહકોના રૂપિયા ઉપાડી લેવાની નવી મોડસ ઓપરેન્ડીનો સુરત પોલીસે પડદાફાશ કરીને ચાર શખસોને દબોચી લીધા છે. શહેરના સચિન વિસ્તારમાં આવેલી યુકો બેંકના એટીએમમાં ગ્રાહકોને છેતરીને પૈસા ઉપાડવાની એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. સચિન પોલીસે આ મામલે સક્રિયતા દાખવીને ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ચોરી કરેલી રોકડ રકમ પણ જપ્ત કરી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  એટીએમ ચોર ગેન્ગના ચાર શખસો યુકો બેંકના ATM મશીનમાં કેશ ડિસ્પેન્શન (પૈસા બહાર આવવાનો) સ્લોટ પર ડબલ ગમ પટ્ટી લગાવી દેતા હતા. જ્યારે કોઈ ગ્રાહક એટીએમમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન કરતો ત્યારે મશીનમાંથી બહાર આવતી નોટો આ ગમ પટ્ટીમાં ફસાઈ જતી હતી. ગ્રાહકને લાગતું કે મશીનમાં કોઈ ટેક્નિકલ ખામી છે અથવા તો પૈસા બહાર આવ્યા નથી. નિરાશ થઈને ગ્રાહક ખાલી હાથે એટીએમ કેબિનમાંથી નીકળી જાય ત્યાર બાદ તરત જ આ ગઠિયાઓ ત્યાં આવીને ગમ પટ્ટી સાથે ફસાયેલી નોટો કાઢીને ચોરી કરીને ફરાર થઈ જતાં હતા.

આ ચોરીની ઘટનાઓ છેલ્લા બે દિવસથી સતત થઈ રહી હોવાની શંકા યુકો બેંકના મેનેજરને થઈ હતી. એટીએમમાં થતી ગડબડને કારણે બેન્ક મેનેજર તપાસ માટે એટીએમ કેબિનમાં પહોંચ્યા હતા. નિયમિત નિરીક્ષણ દરમિયાન તેમને ડસ્ટબીનમાંથી ડબલ ગમ લગાવેલી કાળી પટ્ટી મળી આવી હતી. જેણે ચોરીની પદ્ધતિ તરફ ઇશારો કર્યો હતો. મેનેજરે તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સૌપ્રથમ એટીએમ કેબિનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાયું હતું કે, એક અજાણ્યો શખસ એટીએમ મશીનના કેશ ડિસ્પેન્શન પાસે શંકાસ્પદ હરકતો કરી રહ્યો છે. આ ઉપરાંત, બીજા જ દિવસે વહેલી સવારે પણ અન્ય એક વ્યક્તિ એ જ રીતે મશીન સાથે છેડછાડ કરતો નજરે પડતાં પોલીસે મામલાની ગંભીરતા સમજીને આરોપીઓને ઝડપી પાડવા માટે જાળ બિછાવી હતી. સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેક્નિકલ સર્વેલન્સના આધારે સચિન પોલીસને આ ગેંગને પકડવામાં મોટી સફળતા મળી છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર શખસોની ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે ચોરી કરેલી આશરે રૂપિયા 30 હજાર જેટલી રોકડ રકમ પણ જપ્ત કરી છે.

સચિન પોલીસે આરોપીઓ વિક્કીકુમાર ઉર્ફે રવિકુમાર ગુપ્તા, છોટુકુમાર પાસવાન, ક્રિશકુમાર ઉર્ફે રજત ઠાકુર અને ક્રિષ્ણકુમાર ઉર્ફે બબુઆ શર્માની ધરપકડ કરી છે. આ ગેંગે અન્ય કોઈ એટીએમમાં આવી ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગેની પૂછપરછ ચાલી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code