1. Home
  2. ગુજરાતી
  3. ભારત પરનો હુમલો એ પાકિસ્તાનનું યુદ્ધનું એલાનઃ બલોચ નેતા
ભારત પરનો હુમલો એ પાકિસ્તાનનું યુદ્ધનું એલાનઃ બલોચ નેતા

ભારત પરનો હુમલો એ પાકિસ્તાનનું યુદ્ધનું એલાનઃ બલોચ નેતા

0
Social Share

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી ખાતે લાલ કિલ્લાની પાસે થયેલા વિસ્ફોટોને લઈને બલૂચ માનવાધિકાર કાર્યકર્તા મીર યાર બલોચનું આકરુ નિવેદન સામે આવ્યું છે. મીરે કહ્યું છે કે ભારતમાં થયેલો આ આતંકી હુમલો મૂળતઃ પાકિસ્તાન દ્વારા યુદ્ધનું એલાન જ છે. મીર યાર બલોચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “છેલ્લા 78 વર્ષોમાં પાકિસ્તાન સાથે સંબંધ રાખવાથી વિશ્વને આતંકવાદ, હુમલા, અસ્થિરતા, પરમાણુ બ્લેકમેલિંગ અને તેની તૂટી પડતી અર્થવ્યવસ્થાનો બોજ સિવાય કંઈ મળ્યું નથી.”

બલૂચ કાર્યકર્તાએ આક્ષેપ કરતાં કહ્યું કે, પાકિસ્તાનો ઈતિહાસ બનાવટી છે, તેની અર્થવ્યવસ્થા બલૂચિસ્તાનના કુદરતી સંસાધનોની લૂંટ પર ચાલે છે. પાકિસ્તાનની સેના આતંકી જૂથોને તાલીમ આપે છે. દેશ સતત સંઘર્ષનું ચક્ર જાળવી રાખવા માંગે છે. મીરે ચેતવણી આપી કે પાકિસ્તાન ફરી એક વાર 1990ના દાયકાની જેમ ભારતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મીર યાર બલોચે કહ્યું કે, બલૂચ રક્ષા વિશ્લેષકોના મતે પાકિસ્તાન આતંકવાદ છોડવાનો કોઈ ઈરાદો રાખતું નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, “જેમ ઇઝરાયલ કરે છે, તેમ ભારતે પણ નિર્ણાયક અને મોટા પાયે કાર્યવાહી કરવાનો વિચાર કરવો જોઈએ. પાકિસ્તાન પાસે એટલી ક્ષમતા જ નથી કે તે એક મહિનો પણ ભારત સાથેની સીધી ટક્કર સહન કરી શકે.” તેઓએ કહ્યું કે ભારત માટે આવશ્યક છે કે તે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને જડથી સમાપ્ત કરે.

મીરે ભારતને વ્યૂહાત્મક સલાહ આપતાં જણાવ્યું હતું કે, ભારતે અફગાનિસ્તાનમાં બાગ્રામ સહિત ઓછામાં ઓછા 10 વધારાના એરબેસ બનાવવા જોઈએ. અફગાનિસ્તાનને ડિફેન્સ સિસ્ટમ અને લાંબા અંતરના મિસાઈલ્સ ઉપલબ્ધ કરાવવાં જોઈએ. પાકિસ્તાની હવાઈ હુમલાઓને અટકાવવા માટે સંયુક્ત સુરક્ષા માળખું ઊભું કરવું જોઈએ મીરે ભારપૂર્વક કહ્યું કે ભારતે બલૂચિસ્તાન અને અફગાનિસ્તાન બંનેને તાત્કાલિક રક્ષણાત્મક અને સૈન્ય સહાયતા આપવી જોઈએ.

તેમણે વધુમાં ઉમેર્યું કે, દિલ્હી અને કાબુલને મળીને ભારત–અફગાનિસ્તાન–બલૂચિસ્તાન ત્રિપક્ષીય કોન્ફરન્સ યોજવી જોઈએ, જેથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અને ગોરીલા યુદ્ધ સામે લડવાની વ્યૂહરચના તૈયાર કરી શકાય. અંતમાં તેમણે કહ્યું કે ભારત અને અફગાનિસ્તાનમાં સ્થાયી શાંતિ ત્યારે જ આવશે જ્યારે બલૂચિસ્તાન સ્વતંત્ર દેશ તરીકે ઉભરી આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code