
સુરતમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં પિસ્તોલના નાળચે લૂંટ, કર્મચારીઓને રૂમમાં દીધા
- એક લૂંટારૂ શખસે કર્મચારીઓને ધમકાવીને લૂંટ કરી
- ધોળે દહાડે લૂંટ થતાં ચકચાર મચી ગઈ
- પોલીસે સીસીટીવીના કૂંટેજ મેળવીને લૂંટારૂને પકડવા 5 ટીમ બનાવી
સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં આજે ભર બપોરે બદુકની અણીએ પોણા પાંચ લાખની લૂંટ થતા ચકચાર મચી ગઈ છે. સફેદ ટોપી પહેરીને લૂંટારૂ શખસે બેન્કમાં પ્રવેશીને કર્મચારીઓને બદુકની અણિએ ધાકધમકી આપીને રૂમમાં પુરીને બિન્દાસ્તથી લૂંટ કરી હતી. શહેરના સતત ધમધમતા સચિન વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ છે. આરોપીને ઝડપી પાડવા પાંચ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં આજે બપોરના ટાણે એક લૂંટારૂ શખસ લૂટ કરીને પલાયન થઈ ગયો હતો. બેંકની અંદર લાગેલા સીસીટીવી ફૂટેજમાં આરોપી સ્પષ્ટ રીતે કેદ થયો છે. આરોપી સફેદ ટોપી પહેરી બેંકમાં પ્રવેશે છે, બેંકમાં પ્રવેશ્યા બાદ આરોપી સીધો કેશ કાઉન્ટર તરફ જઈ અને ત્યાં પિસ્તોલ બતાવી કર્મચારીઓને ડરાવ્યા પછી કેશ કાઉન્ટરમાંથી રોકડ રકમ ઉપાડી લે છે. આ અચાનક બનેલી લૂંટની ઘટનાને કારણે બેંકમાં ઉપસ્થિત લોકોને સાથે બેંકની આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જી દીધો હતો. લૂંટારૂએ બેંકના કર્મચારીઓને બતાવેલી પિસ્તોલથી ઉપસ્થિત લોકો એટલા ભયભીત થઈ ગયા કે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કરી શક્યા નહોતા. આરોપી માત્ર થોડી જ મિનિટોમાં રોકડ લૂંટીને લૂંટારૂ શખસ નાસી છૂટ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ મથકના અધિકારીઓ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો અને આરોપીનું પગેરું શોધવા માટે તાત્કાલિક શહેરના વિવિધ વિસ્તારમાં નાકાબંધી શરૂ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે અને સમગ્ર ટીમે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. હાલમાં સુરત પોલીસે લૂંટારૂના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે . પોલીસે શક્ય તેટલા તમામ માર્ગો પર ચેકિંગ શરૂ કર્યું છે અને નજીકના વિસ્તારોમાં જુદી જુદી ટીમો મોકલી દેવામાં આવી છે.