અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026: શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજી અમદાવાદના સ્થાપના દિને ભક્તોને દર્શન આપવા પરિક્રમાએ નિકળશે. 26 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ છે, ત્યારે શહેરના ભદ્ર કિલ્લામાં સ્થાપના કાળથી બિરાજમાન નગરદેવી ભાદ્રકાળી માતા બીજી વખત નગરચર્યા નીકળશે, તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ અંગે શ્રીરામ બલી પ્રાગ તિવારી ટ્રસ્ટના ચેરમેન શશીકાંત તિવારીએ જણાવ્યું હતું કે, “ગયા વખતે શિવરાત્રી અને 26 ફેબ્રુઆરી સ્થાપના દિવસ એક જ દિવસ હતો, ત્યારે નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે શિવરાત્રી થોડી વહેલી છે. આ નગર યાત્રાની શરૂઆત માતાજીના નીજ મંદિર પછી ભદ્ર ત્રણ દરવાજા થઈને માણેક નાથ બાબા મંદિરે પહોંચશે, માણેકચોકથી રતનપોળ થઈને ખાડીયા ચાર રસ્તા, રાયપુર ચકલા, ચકલેશ્વર મહાદેવ ઢાળની પોળ ત્યાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખામસા જમાલપુર થઈને આ યાત્રા જગન્નાથ મંદિર પહોંચશે. જગન્નાથ મંદિરથી રિવરફ્રન્ટ પહોંચશે, ત્યાં સાબરમતી નદીની આરતી કરવામાં આવશે.
26મી ફેબ્રુઆરીના દિને સવારે 7:00 વાગે થી બપોરે 3:00 વાગ્યા સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે રાયપુર અને ખાડિયાનો વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ નગરયાત્રા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને બધા નેતાઓ અને પદાધિકારીઓને આમંત્રણ આપ્યા છે. આ શોભા યાત્રામાં આકર્ષક ટેબલો લગાવવામાં આવશે, ગજરાજ, અખાડા અને ભજન મંડળીઓ સામેલ થશે. નગરયાત્રામાં 50000થી વધારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે એવી સંભાવના છે. નગર દેવી ભદ્રકાળી માતાના ગર્ભ ગૃહને સુવર્ણથી સજાવવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો સોનાનું દાન કરી રહ્યા છે. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


