
ભારત ટેક્સ 2025માં વૈશ્વિક ટેક્સટાઇલ જાયન્ટ્સ, બ્રાન્ડ્સ અને ઔદ્યોગિક સંસ્થાઓની ભાગીદારી જોવા મળી
કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે આજે ભારત મંડપમ, નવી દિલ્હીમાં ભારત ટેક્સ 2025ના પ્રારંભિક દિવસે તેની મુલાકાત લીધી હતી. 12 ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના કન્સોર્ટિયમ દ્વારા આયોજિત અને ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા સમર્થિત, આ મુખ્ય કાર્યક્રમ 14 થી 17 ફેબ્રુઆરી, 2025 દરમિયાન ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજવામાં આવ્યો છે અને તેમાં કાચા માલ અને ફાઇબરથી માંડીને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ, તકનીકી કાપડ, હોમ ફર્નિશિંગ અને હાઇ-એન્ડ ફેશન સુધીની ટેક્સટાઇલ્સની સંપૂર્ણ વેલ્યુ ચેઇનને આવરી લેવામાં આવશે.એસેસરીઝ, ગારમેન્ટ મશીનરી, રંગો અને રસાયણો અને હસ્તકળા જેવા સંબંધિત પ્રદર્શનો 12 થી 15 ફેબ્રુઆરી દરમિયાન ઇન્ડિયા એક્સ્પો સેન્ટર અને માર્ટ ગ્રેટર નોઇડા ખાતે યોજવામાં આવ્યા છે.
ભારત ટેક્સ 2025 વિશ્વના સૌથી મોટા ટેક્સટાઇલ એક્સ્પોમાંનો એક છે. જે નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગના અગ્રણીઓ, વૈશ્વિક બ્રાન્ડ્સ અને ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનના હિસ્સેદારોને એક જ છત હેઠળ લાવે છે. 5,000થી વધુ પ્રદર્શકો અને 120 થી વધુ દેશોના સહભાગીપણા સાથે, ભારત ટેક્સ 2025 એ નોંધપાત્ર વૈશ્વિક રસ લીધો છે. જે ટેક્સટાઇલ વેપારમાં ભારતના વધતા પ્રભાવને પ્રતિબિંબિત કરે છે.
આ વર્ષની ઇવેન્ટ સ્થિતિસ્થાપક વૈશ્વિક મૂલ્ય સાંકળો અને ટેક્સટાઇલ સ્થિરતાના બે વિષયોની આસપાસ બનાવવામાં આવી છે. આ મેગા ટેક્સટાઇલ ઇવેન્ટ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પૂરી પાડે છે. જેમાં વૈશ્વિક કદના ટ્રેડ ફેર એન્ડ એક્સ્પો, ગ્લોબલ સ્કેલ ટેક્સટાઇલ્સ કોન્ફરન્સ, સેમિનાર, સીઇઓ રાઉન્ડટેબલ્સ અને બી2બી અને જી2જી બેઠકોનો સમાવેશ થાય છે. તેમાં વ્યૂહાત્મક રોકાણ અંગેની ચર્ચાઓ, પ્રોડક્ટ લોંચિંગ અને વૈશ્વિક ટેક્સટાઇલ ઉદ્યોગને નવેસરથી આકાર આપવા માટેનાં જોડાણનું પણ આયોજન કરવામાં આવશે. સમર્પિત બાયર-સેલર બેઠકો, નીતિગત ગોળમેજી પરિષદો અને નેટવર્કિંગ સત્રો આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક જોડાણોમાં વધારો કરશે, જે પસંદગીની વૈશ્વિક સોર્સિંગ ડેસ્ટિનેશન તરીકે ભારતની સ્થિતિને મજબૂત કરશે.
અગ્રણી ટેક્સટાઇલ ઉત્પાદકો, વૈશ્વિક રિટેલ જાયન્ટ્સ અને ઔદ્યોગિક સંગઠનોની ભાગીદારી સાથે, ભારત ટેક્સ 2025 ઉચ્ચ-મૂલ્યની વેપાર ચર્ચાઓ અને ભાગીદારીને સરળ બનાવવા માટે તૈયાર છે. આ કાર્યક્રમમાં 70થી વધુ કોન્ફરન્સ સેશનનું આયોજન કરવામાં આવશે. જેમાં ટોચના આંતરરાષ્ટ્રીય વક્તાઓ, ઉદ્યોગના દિગ્ગજો અને નીતિઘડવૈયાઓ વૈશ્વિક ટ્રેડ શિફ્ટ્સ, ટેકનિકલ ટેક્સટાઇલ્સ, એઆઇ-સંચાલિત મેન્યુફેક્ચરિંગ અને સસ્ટેઇનેબલ ફેશનના ભવિષ્ય જેવા મુખ્ય વિષયો પર ચર્ચા કરશે.
સમકાલીન વલણો સાથે ભારતની ઐતિહાસિક કાપડ કુશળતાનું ફ્યુઝન એ આ ઘટનાની એક હાઇલાઇટ હશે. ફેશન શો, ટ્રેન્ડ ફોરકાસ્ટ અને પ્રોડક્ટ લોન્ચ ટેક્સટાઇલના ભવિષ્યની ઝાંખી કરાવશે, જ્યારે પરંપરાગત ડિસ્પ્લે અને કલ્ચરલ પર્ફોમન્સ ભારતીય કારીગરીના કાયમી વારસાની ઉજવણી કરશે. આ વર્ષની ઇવેન્ટ ભારતના 5F વિઝન – ફાર્મ ટુ ફાઇબર, ફેબ્રિક, ફેશન અને ફોરેન માર્કેટ્સને પણ લાગુ કરે છે, જે દેશને વૈશ્વિક ટેક્સટાઇલ કંપનીઓ માટે વિશ્વસનીય અને ટકાઉ સોર્સિંગ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરે છે.
ભારત ટેકસ 2025 ટેક્સટાઇલ ઉદ્યોગના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની ઉજવણીનું વચન આપે છે. તેનો ઉદ્દેશ વૈશ્વિક ટેક્સટાઇલ વલણોને આકાર આપવા, નવીનતાને આગળ વધારવામાં અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય પ્રભાવક બનવાનો છે. જ્યારે ઉદ્યોગ વધુ સંકલિત અને ટકાઉ પદ્ધતિઓ તરફ ધ્યાન આપી રહ્યો છે. ત્યારે ભારત ટેક્સ 2025 નિ:શંકપણે આ પરિવર્તનશીલ યાત્રામાં મુખ્ય ભૂમિકા ભજવશે.