
- પાલિકાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના અગ્રણી પર હુમલો કરાયાની ફરિયાદ
- ભાજપના શહેર મંત્રીએ પણ સામે ફરિયાદ નોંધાવી
- કોંગ્રસના સમર્થનમાં ગ્રામજનોનું સંમેલન યોજાયુ
રાજકોટ: જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઝપાઝપી અને મારામારીનો બનાવ બન્યો હતો. ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સમયના નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના સદસ્ય નયનભાઈ જીવાણી ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે સામા પક્ષે ભાયાવદર શહેર ભાજપના મહામંત્રી હાર્દિક રાવલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવ બાદ ભાયાવદરના પટેલ સમાજ ખાતે ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા મીટીંગ સંમેલન યોજ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થયા હતા. અને આ બનાવને વખોડી કાઢવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાયાવદરમાં બનેલા આ બનાવ અંગે ફરિયાદી નયન નયનભાઈ જયંતીભાઈ જીવાણીએ ભાયાવદરના ઇન્દ્રવિજયસિંહ ગુલાબસિંહ ચુડાસમા, ઉપેન્દ્રસિંહ ગુલાબસિંહ ચુડાસમા અને ભીખુભા બાબભા ચુડાસમા સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જેમાં આ મામલે ભાયાવદર પોલીસે આ ત્રણે વ્યક્તિઓ સામે B.N.S. ની કલમ 117 (2), 115 (2), 351 (3), 352 અને 54 મુજબ ફરિયાદ નોંધી છે અને હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે સામા પક્ષે હાર્દિક નરેન્દ્રભાઈ રાવલ નામના યુવકે નયનભાઈ જીવાણી, ગણેશ પ્રોવિઝન વાળા ગણેશભાઈ, ગણેશભાઈનો ભાઈ સુરેશભાઈ, ગણેશભાઈનો ભાઈ અતુલભાઇ સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે. આ ચારેય વ્યક્તિઓ સામે B.N.S. ની કલમ 115 (2), 351 (3), 352 અને 54 મુજબ ફરિયાદ નોંધી છે અને હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ભાયાવદરમાં બનેલી આ ઘટના બાદ ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સમયના નગરપાલિકાના સદસ્ય દ્વારા પટેલ સમાજની વાડી ખાતે એક બેઠક આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાયાવદરની જનતાને એક હાકલ કરવામાં આવી હતી. બેઠકમાં ભાયાવદરના પ્રશ્નો અને જાતિવાદ તેમજ રાજકારણના વિવિધ વિષયોને લઈને વાત કરવામાં આવી હતી. આ બાબતે ભાયાવદર બંધના એલાન અંગેની પણ જાહેરાત કરવામાં આવી હતી.