સુરત, 2 એપ્રિલ 2026: BJP will take 5000 Bengali voter workers to West Bengal in 4 special trains પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપ ચૂંટણી રણનીતિમાં માહેર છે. ત્યારે ભાજપે સુરતથી 5000 જેટલા બંગાળી શ્રમિકોને મતદાન માટે પશ્વિમ બંગાળ લઈ જવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. સુરતથી ચાર જેટલી સ્પેશિયલ ટ્રેનોમાં બંગાળી શ્રમિકોને મફતમાં કોલકત્તા લઈ જવાશે. બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને ‘સુરત બંગાળી સમાજ’ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા સુરતમાં વસવાટ કરતા બંગાળી શ્રમિકોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ વ્યૂહરચના ઘડી કાઢી છે. સુરતમાં વસતા લાખો બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને ‘સુરત બંગાળી સમાજ’ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા 5000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે. સુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો ઉદ્યોગ-ધંધા સાથે સંકળાયેલા છે. બંગાળી લોકો મુખ્યત્વે ડાયમંડ, જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી અથવા કારીગરીનું કામ કરે છે. આ શ્રમિક વર્ગ મોટો વોટબેંક ધરાવે છે. ચૂંટણીના સમયે રિઝર્વેશન ન મળવાને કારણે ઘણા લોકો વતન જઈ શકતા નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આ શ્રમિકોને સીધા પશ્ચિમ બંગાળ મોકલવાની યોજના બનાવી દીધી છે. ભાજપને આશા છે કે, સુરતથી જનારા આ હજારો મતદારો ત્યાં જઈને ભાજપના પક્ષમાં માહોલ બનાવશે.
પશ્વિમ બંગાળમાં બે તબક્કે ચૂંટણી યોજાવાની છે. તેને ધ્યાનમાં રાખીને ટ્રેનનું શિડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે. સુરત બંગાળી સમાજના અગ્રણી વાસુદેવ અધિકારીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની લહેર છે અને તેને સાકાર કરવા માટે આ કામગીરી ચાલી રહી છે. સુરત ભાજપ કાર્યાલય અને બંગાળી સમાજ દ્વારા ટ્રેન સુવિધા એકદમ ‘ફ્રી ઓફ કોસ્ટ’ રાખવામાં આવી છે. મધ્યમ અને ગરીબ વર્ગના કારીગરો જેઓ મોંઘી ટિકિટ કે પ્લેનનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેમના માટે આ એક સુવર્ણ તક છે. ભાજપ આ માધ્યમથી એ સાબિત કરવા માગે છે કે, તેઓ કાર્યકરો અને મતદારોની પડખે ઉભા છે. આ સુવિધાનો લાભ માત્ર જે-તે વિસ્તારના સાચા અને નોંધાયેલા મતદારોને જ મળે તે માટે સુરત બંગાળી સમાજ દ્વારા તપાસ કરવામાં આવી છે. વાસુદેવ અધિકારીના જણાવ્યા અનુસાર, ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. જેમના વોટિંગ કાર્ડ અપડેટ નહોતા અથવા જેમના નામ મતદાર યાદીમાં નહોતા, તેવા અંદાજે 1200થી 1500 ફોર્મ રદ SIRના કારણે કરવામાં આવ્યા છે.
સુરતમાં 2.5 લાખ બંગાળીઓ છે, પરંતુ ભાજપનું માનવું છે કે જો પરિવહન સુવિધા વધુ મોટી હોત તો તેઓ 2 લાખ લોકોને પણ મોકલી શક્યા હોત. આ 5000 મતદારો માત્ર આંકડો નથી, પણ એક મોટું નેટવર્ક છે. આ લોકો જ્યારે પોતાના ગામ જશે ત્યારે તેમના પરિવારના સભ્યોને પણ ભાજપ તરફ વાળશે. ભાજપનો અંદાજ છે કે, આ મુસાફરો દ્વારા તેઓ બંગાળમાં અંદાજે 10થી 12 લાખ મતો પર સીધી કે આડકતરી અસર પાડી શકશે. ભાજપની આ વ્યૂહરચનાએ શ્રમિકોની વતન જવાની ઈચ્છા અને પક્ષની મત મેળવવાની જરૂરિયાત બંનેને એકસાથે સાંકળી લીધી છે. જે કારીગરો મોંઘી ટિકિટના કારણે જઈ શકતા નહોતા, તેઓ હવે ‘ફ્રી ટ્રેન’ની સુવિધા મળતા ઉત્સાહમાં છે.


