બ્રાઝીલઃ ડ્રગ્સ કોર્ટેલ અને પોલીસ વચ્ચે અથડામણમાં 119ના મોત, પોલીસ કાર્યવાહી સામે ઉઠ્યાં સવાલ
બ્રાઝીલની રાજધાની રિયો ડી જનેરિયોમાં તાજેતરમાં થયેલી પોલીસ કાર્યવાહીએ સમગ્ર શહેરને દચાવી નાંખ્યું છે. ડ્રગ્સ કાર્ટેલ વિરુદ્ધ હાથ ધરાયેલું આ ઓપરેશન અત્યાર સુધીનું સૌથી મોટું ગણાય છે. આ હિંસક અથડામણમાં 119 લોકોના મોત થયા છે. બીજી તરફ મૃતકોના પરિવારજનોએ તેમના સ્વજનોની લાશો રસ્તા કિનારે લાઈનમાં મૂકી વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે શહેરમાં ભય અને આક્રોશનું વાતાવરણ છવાઈ ગયું છે.
રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ પણ આ આંકડો સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને માનવ અધિકાર સંગઠનોએ આ કાર્યવાહી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ રિયો રાજ્ય સરકાર આને “મોટી સફળતા” કહી રહી છે. આ કાર્યવાહી COP-30 ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ સમિટ પહેલાં હાથ ધરાઈ છે, જે અમેઝોન શહેર બેલેમમાં થવાની છે.
રિયો શહેરની એક સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, આ કોઈ સામાન્ય પોલીસ કાર્યવાહી નહોતી, પણ “સીધી હત્યાઓ કરવા હાથ ધરાયેલુ ઓપરેશન” હતું. વિદેશી મીડિયા રિપોર્ટ્સ મુજબ, એનકાઉન્ટર દરમિયાન કેટલાક મૃતદેહો અત્યંત વિકૃત હાલતમાં મળ્યા હતા. અનેક લાશો રસ્તા પર લાઈનમાં મૂકી દેવાઈ હતી, જેનો દ્રશ્ય અત્યંત ભયજનક હતો.
આ ઓપરેશનમાં 2,500થી વધુ પોલીસકર્મીઓ, બખ્તરબંદ વાહનો અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડ્રગ્સ કાર્ટેલે પણ પોલીસ પર બોમ્બ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. પોલીસે કેટલીક બસોને જપ્ત કરી અને રાજમાર્ગો પર બેરિકેડ બનાવવા ઉપયોગમાં લીધી હતી. રિયો રાજ્યના ગવર્નર ક્લાઉડિયો કાસ્ટ્રોએ આ રેડને “નાર્કો ટેરરિઝમ વિરુદ્ધ સફળતા” ગણાવી છે. તેમણે જણાવ્યું કે આ દરમિયાન ચાર પોલીસકર્મીઓ પણ શહીદ થયા છે.
રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ કહ્યું કે કેન્દ્ર સરકારને આ ઓપરેશનની અગાઉથી કોઈ જાણ નહોતી. કેન્દ્રના ન્યાય પ્રધાન રિકાર્ડોએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ મોતનો આંકડો જાણીને “હચમચી ગયા” હતા. બ્રાઝીલમાં આ ઘટના પછી માનવ અધિકાર સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સમુદાયે પોલીસની કાર્યવાહી અંગે સ્વતંત્ર તપાસની માંગ ઉઠાવી છે.


