1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઊનાના નેસડા ગામે જમીન માટે ભાઈઓને બહેનની હત્યા કરી અગ્નિસંસ્કાર કરી દીધા
ઊનાના નેસડા ગામે જમીન માટે ભાઈઓને બહેનની હત્યા કરી અગ્નિસંસ્કાર કરી દીધા

ઊનાના નેસડા ગામે જમીન માટે ભાઈઓને બહેનની હત્યા કરી અગ્નિસંસ્કાર કરી દીધા

0
Social Share

ઊના, 29 માર્ચ 2026: Brothers killed sister over land  ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના નેસડા ગામે માત્ર 12 વીઘા જમીન પચાવી પાડવાની લાલચમાં બે પિતરાઈ ભાઈએ પોતાની જ બહેનને પ્રેમલગ્નની લાલચ આપી મનઘડત કાવતરું રચી કરપીણ હત્યા કરાતા આ વિસ્તારમાં આ બનાવથી ચકચાર મચી ગઈ છે. પોલીસે 7 દિવસની સઘન તપાસ બાદ આ રહસ્યમય ઘટના પરથી પડદો ઉંચકી બંને નરાધમ ભાઈ સામે ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી હતી કે, ઊના તાલુકાના નેસડા ગામે રહેતી મનસુબેનનું જીવન પહેલાથી જ મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું. માતા-પિતાના અવસાન બાદ તેઓ એકલા રહેતા હતા અને તેમના માટે પિતરાઈ ભાઈઓ જ એકમાત્ર સહારો ગણાતા હતા. પરંતુ વિશ્વાસનો આ સહારો જ તેમના માટે જીવલેણ સાબિત થયો છે.  મૃતક યુવતી મનસુબેન હમાભાઈ ગોહિલ (ઉ.વ. 25) તેના માતા-પિતાના અવસાન બાદ ઘરે એકલી રહેતી હતી. તે તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હોવાથી તેની પાસે વારસામાં મળેલી 12 વીઘા જમીન હતી. મનસુબેનને ગામના જ સતુભાઈ ખસીયા નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો, જે સુરતમાં હીરા ઘસવાનું કામ કરતો હતો. મનસુબેનની મિલકત પર નજર બગાડી બેઠેલા પિતરાઈ ભાઈઓ વિક્રમ વિરાભાઈ ગોહિલ અને મનુ કનુભાઈ ગોહિલને આ સંબંધ મંજૂર નહોતો. આરોપી વિક્રમે મનસુબેનને વિશ્વાસમાં લીધી હતી કે તે તેના લગ્ન પ્રેમી સતુ સાથે કરાવી આપશે. આ લાલચમાં આવીને ભોળી બહેને અડધી જમીન પિતરાઈ ભાઈ વિક્રમના નામે પણ કરી આપી હતી. ગત તારીખ 20ના રોજ મનસુબેને તેના પ્રેમી સાથે ફોન પર વાત કરી હતી કે, તેના ભાઈઓ લગ્નની વાત કરવા માટે વિક્રમના ઘરે મિટિંગ રાખવાના છે અને તેને લેવા આવી રહ્યા છે. રાત્રિના સમયે વિક્રમ મનસુબેનને બાઈક પર બેસાડી પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં મનુ અને વિક્રમે ભેગા મળીને મનસુબેનની હત્યા કરી નાખી હતી.  હત્યા બાદ પાપ છુપાવવા માટે ભાઈઓએ ‘હાર્ટ એટેક’નું નાટક રચ્યું હતું. કોઈપણ સગા-સંબંધી કે ગ્રામજનોને જાણ કર્યા વગર, ગણતરીના 7-8 લોકો ટ્રેક્ટરમાં લાશ લઈને નેસડાથી ઊના સ્મશાને પહોંચ્યા હતા. ત્યાં માત્ર અડધા જ કલાકમાં અંતિમ સંસ્કાર વિધિ પતાવી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

મનસુબેનના પ્રેમી સતુને આકસ્મિક મોતના સમાચાર મળતા શંકા ગઈ હતી. તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઊના પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી, અલગ-અલગ લોકોના નિવેદનો નોંધ્યા અને FSLની મદદ લીધી. તપાસમાં બહાર આવ્યું કે, યુવતીનું કુદરતી મોત નહીં પણ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. જેમાં વિક્રમે બહેનનું ગળું દબાવ્યું હતું, જ્યારે મનુએ તેના હાથ-પગ પકડી રાખ્યા હતા.  સમગ્ર ઘટનાની ફરિયાદ મૃતક યુવતીના પ્રેમીએ ઊના પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code