સુરત,13 જાન્યુઆરી 2026: શહેરમાં કાલે ઉત્તરાયણનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાશે. પતંગો કાપવાના દાવપેચ લડાશે, અને સાથે કપાયેલા પતંગો લૂંટનારાઓની રોડ-રસ્તાઓ પર ભાગદોડ જોવા મળશે. ત્યારે રોડ પર કોઈ અકસ્માતનો બનાવ ન બને તે માટે આવતી કાલે તા. 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 BRTS બસોના પૈડાં થંભાવી દેવાનો નિર્ણય મ્યુનિએ લીધો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી થતા અકસ્માતો અને જાનહાનિ નિવારવા માટે તંત્રએ આ આકરા પગલાં લીધા છે.
સુરત શહેરમાં આવતી કાલે સુરક્ષાને કારણે બીઆરટીએસ બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સિટી બસ સેવા પણ સંપૂર્ણપણે કાર્યરત રહેશે નહીં. ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા તેના નિર્ધારિત શિડ્યુલના માત્ર 30 ટકા ક્ષમતા સાથે જ દોડશે. આ નિર્ણયને કારણે શહેરના લાખો નોકરિયાત વર્ગ અને સામાન્ય મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. વાસી ઉત્તરાયણના દિવસે પણ સ્થિતિમાં બહુ મોટો સુધારો જોવા મળશે નહીં, કારણ કે તે દિવસે પણ બસ સેવામાં 70 ટકા જેટલો કાપ યથાવત રાખવામાં આવ્યો છે.
એસએમસીના સૂત્રોના કહેવા મુજબ આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ BRTS કોરિડોરમાં થતા અકસ્માતો છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ લૂંટવા માટે નાના બાળકો અને યુવાનો અચાનક બીઆરટીએસના કોરીડોરમાં દોડી આવતા હોય છે. બસોની ગતિ વધુ હોવાથી ચાલક અચાનક બ્રેક મારી શકતો નથી, જેના પરિણામે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. આ ઉપરાંત, હવામાં લટકતી પતંગની કાચ પાયેલી દોરી ટુ-વ્હીલર સવારોની જેમ બસમાં સવાર મુસાફરો અને ડ્રાઈવરો માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. પતંગ મહોત્સવના દિવસે લોકો અગાશી પર વ્યસ્ત હોય છે અને રસ્તાઓ પર ભીડ ઓછી હોવા છતાં સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે પાલિકાએ આ “સેફ્ટી ફર્સ્ટ” એપ્રોચ અપનાવ્યો છે. વાસી ઉત્તરાયણે પણ પતંગબાજી ચાલુ રહેતી હોવાથી 15મી જાન્યુઆરીએ BRTS ને માત્ર 30 ટકા અને સીટી બસને 50 ટકા ક્ષમતા સાથે ચલાવવાનું નક્કી કરાયું છે.
સુરત શહેરમાં 108 કિમી લાંબુ BRTS નેટવર્ક શહેરની જીવાદોરી સમાન છે. રોજના અંદાજે 2 લાખથી વધુ મુસાફરો આ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરે છે. કુલ 754 બસોના કાફલામાંથી મોટાભાગની બસો બંધ રહેતા શ્રમિકો અને મધ્યમ વર્ગના મુસાફરોએ રિક્ષા અથવા ખાનગી વાહનો પર નિર્ભર રહેવું પડશે. તંત્રએ અગાઉથી જ મુસાફરોને આ ફેરફારની નોંધ લઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા અપીલ કરી છે.


