- ચાંદખેડામાં રહેતા વેપારી સાથે પાંચ શખસોએ કરી છેતરપિંડી,
 - વળતરની રકમ માગતા આરોપીઓ ગલ્લા-તલ્લા કરવા લાગ્યા,
 - નવરંગપુરા પોલીસે 5 શખસો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી
 
અમદાવાદઃ શહેરના ચાંદખેડામાં રહેતા અને એગ્રીકલ્ચરનો ટ્રેડિંગ કરતા એક વેપારીને સોનામાં રોકાણ કરીને વધુ વળતર અપાવવાની લાલાચ આપીને બે શખસોએ વેપારી પાસેથી 7.88 કરોડ રૂપિયા મેળવ્યા હતા. જોકે પૈસા કે નફો પરત ન આપતા વેપારીએ પોલીસ ફરિયાદની ધમકી આપી હતી જેથી આરોપીઓએ વેપારીને 2.20 કરોડ પરત આપ્યા હતા. પરંતુ બાકીના 5.68 કરોડ પરત ન આપીને છેતરપિંડી કરતા વેપારીએ 5 શખ્સો સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત એવીછે કે, શહેરના ચાંદખેડામાં રહેતા રુચિત મહેતા એગ્રીકલ્ચરનો ટ્રેડિંગ વેપાર કરે છે.રુચિતભાઈને એગ્રીકલ્ચર સિવાય બીજા ધંધો ચાલુ કરવાનો હોવાથી તેમણે તેમના સીએ આકાશ સોનીને વાત કરી હતી. આથી આકાશ સોનીએ વેપારીનો સંપર્ક ધર્મેન્દ્ર નામના વ્યક્તિ સાથે કરાવ્યો હતો. ધર્મેન્દ્રએ વેપારી રુચિતભાઈને જણાવ્યું હતું કે હાર્ડમાં ગોલ્ડ લે વેચમાં ખૂબ જ પ્રોફિટ છે. અને સારૂ વળતર મળી શકે છે. વેપારી રૂચિતભાઈએ રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા ધર્મેન્દ્રએ રુચિતભાઈનો સંપર્ક રાહુલ ગુપ્તા સાથે કરાવ્યો હતો.ધર્મેન્દ્રની વાતોમાં આવી અને તેના કહેવાથી રુચિત ભાઈએ તેમના બેંક એકાઉન્ટમાંથી જુદા જુદા આરટીજીએસ દ્વારા 2.95 કરોડ રૂપિયા રાહુલ ગુપ્તાની ઓમકાર એન્ટરપ્રાઇઝના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત રુચિતભાઈના મિત્ર વર્તુળના લોકોએ પણ ભેગા મળીને 4.92 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.પૈસા ટ્રાન્સફર કર્યા બાદ ધર્મેશ અને રાહુલે જણાવ્યું હતું કે તેઓ ગોલ્ડની ખરીદી કરીને રાખશે અને તેના ટ્રાન્જેક્શનની વિગત મોકલી આપશે.ગોલ્ડનો રેટ જ્યારે વધશે ત્યારે તેનું ટ્રેડિંગ કરીને પ્રોફિટ સાથેની રકમ પરત આપશે.
ત્યારબાદ થોડા સમય સુધી ઇન્વેસ્ટમેન્ટ કે નફાની રકમ ના આપતા રુચિતભાઈએ ધર્મેન્દ્રનો સંપર્ક કર્યો હતો.ત્યારે ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે, રાહુલ ક્યાંક બહાર ગયો છે અને તેનો ફોન પણ લાગતો નથી. આમ ધર્મેન્દ્ર અલગ અલગ બહાના બતાવતો હતો.થોડા સમય બાદ રાહુલ રુચિતભાઇ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે રોકાણ માટે આપેલા પૈસા તેણે પોતાના અંગત કામમાં ખર્ચી નાખ્યા છે. જેથી રુચિતભાઈએ પોલીસ ફરિયાદનું કહેતા રાહુલ ગુપ્તાએ ઓળખીતા શ્લેષ પાસે રૂચિતભાઈને લઈ ગયો હતો અને રાહુલ વિરુદ્ધ કોઈ ફરિયાદ ના કરવાનું કહીને ધીરે ધીરે રોકાણ માટે આપેલી રકમ પરત આપવાનું જણાવ્યું હતું.રાહુલ ગુપ્તાના આંગડિયામાંથી 1.70 કરોડની રકમ રુચિતભાઈને આપી હતી.આ ઉપરાંત 50 લાખની દુકાન પણ આપી હતી.બાકીની 5.68 કરોડની રકમ પરત આપવાની વાત કરી હતી પરંતુ પરત આપી ન્હોતી.બાકીની રકમ ધર્મેન્દ્ર અને રાહુલે મળીને ભાગ્યેશ,વિકાસ પંચાલ તથા દીપુ ચોકસીને મદદ માટે આપી હોવાનું જાણવા મળ્યું હતું.આ અંગે રુચિતભાઈએ ધર્મેન્દ્ર પરાંતે, રાહુલ ગુપ્તા, વિકાસ પંચાલ, ભાગ્યેશ અને દીપુ ચોકસી વિરુદ્ધમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

