
મુળી તાલુકામાં ખનીજ ચોરી સામે ઝૂંબેશ, 7 ઓવરલોડ ડમ્પર સહિત 2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત
- ડેપ્યટી કલેકટરની ટીમે જસાપર ગામ અને ગોદાવરી રોડ પર વોચ રાખી,
- રોયલ્ટી વગરના અને ઓવરલોડ બ્લેક ટ્રેપ (કપચી) ભરેલા 7 ડમ્પર જપ્ત કર્યા,
- તંત્રની ઝૂંબેશને લીધે ખનીજ માફિયાઓમાં ફફડાટ
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં બેરોકટોક ખનીજની ચોરી થઈ રહી છે. ત્યારે મુળી તાલુકામાં ગેરકાયદે ખનિજ પરિવહન કરતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર મુળીની સંયુક્ત ટીમે જસાપર ગામ અને ગોદાવરી રોડ પરથી કાર્યવાહી કરી છે. ટીમે રોયલ્ટી વગરના અને ઓવરલોડ બ્લેક ટ્રેપ (કપચી) ભરેલા 7 ડમ્પર જપ્ત કર્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજચોરી ભેરોકટોક થઈ રહી છે. તંત્ર દ્વારા અવાર-નવાર દરોડો પાડવામાં આવે છે. પણ ખનીજ ચોરી અટકતી નથી ત્યારે નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર મુળીની સંયુક્ત ટીમે જસાપર ગામ અને ગોદાવરી રોડ પરથી કાર્યવાહી કરી છે. ટીમે રોયલ્ટી વગરના અને ઓવરલોડ બ્લેક ટ્રેપ (કપચી) ભરેલા 7 ડમ્પર જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા વાહનોમાં GJ 38 TA 5961, GJ 13 AT 1076, GJ 13 AW 5300, GJ 13 AW 6800, GJ 24 X 1905, GJ 38 TA 3591 અને RJ 25 GA 7621 નંબરના ડમ્પરનો સમાવેશ થાય છે. આ તમામ વાહનોની કિંમત રૂપિયા 2.80 કરોડ આંકવામાં આવી છે. વાહનોને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યા છે.
સૂત્રોના કહેવા મુજબ પકડાયેલા ડમ્પરના માલિકોમાં વિરમગામના પોગાણ ગામના મુન્નાભાઈ માધાભાઇ જાદવ, સાયલાના ભગીરથસિંહ આર સિંધવ, સાયલાના રાજેન્દ્રસિંહ નારાયણસિંહ પઢિયાર, ભરતભાઈ વસાભાઇ ભરવાડ, સતીષભાઈ ડી ગોહિલ અને મુન્નાભાઈનો સમાવેશ થાય છે. તમામ માલિકો સામે ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.