
- કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રવાદ, લોક તંત્ર બચાવવા સહિતના પ્રસ્તાવ પર ચર્ચા
- કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેના હસ્તે ફ્લેગ હોસ્ટિંગ બાદ અધિવેશનનો પ્રારંભ
- ભાજપ પ્રાઇવેટ લિમિટેડ કંપની બની ગઈ છેઃ ગનીબેન ઠાકોર,
અમદાવાદઃ શહેરના આંગણે બે દિવસના કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો આજે છેલ્લો દિવસ હતો. સાબરમતીના તટે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે ફ્લેગ હોસ્ટિંગ બાદ અધિવેશનનો પ્રારંભ કરાયો હતો. જેમાં વિવિધ નોતાઓએ પોતાના વિચારો રજુ કર્યા હતા. જેમાં રાષ્ટ્રવાદ, પ્રજાતંત્ર અને લોકતંત્ર બચાવવા, સામાજિક ન્યાય, દેશમાં સર્વધર્મ સદભાવ, મહિલાઓના અધિકાર, ખેડૂતો, અર્થવ્યવસ્થા, બેરોજગારી, આર્થિક અન્યાય, વિદેશ નીતિ, સશક્ત સંગઠનના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાહુલ ગાંધીએ સંબોધન કરતા કહ્યું કે, 100 વર્ષ પહેલા મહાત્મા ગાંધીજી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. 150 વર્ષ પહેલા સરદાર પટેલજી આ ધરતી પર જન્મ્યા હતા. ગાંધીજી, સરદાર પટેલજી આ કોંગ્રેસ પાર્ટીનો પાયો છે. તેલંગાણામાં અમે ક્રાંતિકારી પગલું લીધું. જાતિ જનગણના. તેના થોડા સમય પહેલા મેં સંસદમાં મોદીજીને કહ્યું હતું કે, તમે જાતિ જનગણના કરાવો. દેશને ખબર હોવી જોઇએ આ દેશમાં દલિત કેટલા છે, પછાત વર્ગ કેટલો છે, અતિ પછાત વર્ગ કેટલો છે, અતિ દલિત કેટલા છે? લઘુમતી કેટલા છે, ગરીબ કેટલા છે? હું માત્ર જાતિ જનગણનાની પાછળ જ નથી. આ એક પગલું છે. હું એ જાણવા માગું છું કે, આ દેશમાં કોની કેટલી ભાગીદારી છે. એ સમયે મેં કહ્યું હતું કે, દેશનો એક્સ રે થવો જોઇએ. માહિતી મેળવવી જોઇએ કે, આદિવાસી, દલિત-પછાત લોકો મજૂરી કરે છે તે શું ખરેખર આ દેશ તેની ઇજ્જત કરે છે? શું ખરેખર આ દેશ તેને જગ્યા આપે છે? આ મારા મગજમાં સવાલ હતો.
ભાગીદારીની વાત થાય, કોર્પોરેટ ઇન્ડિયાની વાત થાય. ખાનગી હોસ્પિટલો હોય, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં હોય તેમાં 90 ટકા લોકો છે જ નહીં. મોદીજી 24 કલાક પછાત વર્ગની, દલિતોની અને વનવાસીઓની વાત કરે છે. પરંતુ જ્યારે તેમની ભાગીદારીનો સવાલ આવે છે ત્યારે ભાજપના લોકો ચૂપ થઈ જાય છે. ભાજપ અને આરએસએસ રોજ બંધારણ પર આક્રમણ કરે છે અને તેને માત્ર કોંગ્રેસ જ રોકી શકે છે. બાકીની પાર્ટી રોકી શકે નહીં કારણ કે આ વિચારધારાની લડાઈ છે. જે પાર્ટી પાસે વિચારધારા નથી, ક્લેરિટી નથી એ બીજેપી-આરએસએસ સામે ઉભી રહી શકે નહીં. જે પાર્ટી પાસે વિચારધારા છે એ જ આરએસએસ-ભાજપનો સામનો કરી શકે છે અને તે જ આરએસએસ-ભાજપને હરાવશે.
ગનીબેને કહ્યું કે, 64 વર્ષ બાદ અધિવેશન થયું છે. સોનિયાજીએ તેનો મોકો આપ્યો છે. હું ગુજરાતી તરીકે આભાર માનું છું. જે પ્રસ્તાવ મૂક્યો છે તેને આગામી દિવસોમાં આગળ વધારવામાં આવશે. ગુજરાતમાં સૌથી વધુ કુપોષિત બાળકો છે. ભાજપ પ્રાઇવેટ લિમિટેડ કંપની બની ગઈ છે. કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાને વિનંતી છે કે ગાંધીજીએ કહ્યું છે કે સત્તા માટે નહિ પરંતુ સેવા માટે છીએ. ભલે સતામાં ના હોઈએ પણ કામ કરીશું. 2027માં ગુજરાતમાં કોંગ્રેસ જીતશે.