1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર નજીક ફુલસરમાં PM આવાસ યોજનામાં ચેકિંગ, 104 મકાનોમાં અન્ય લોકોનો વસવાટ
ભાવનગર નજીક ફુલસરમાં PM આવાસ યોજનામાં ચેકિંગ, 104 મકાનોમાં અન્ય લોકોનો વસવાટ

ભાવનગર નજીક ફુલસરમાં PM આવાસ યોજનામાં ચેકિંગ, 104 મકાનોમાં અન્ય લોકોનો વસવાટ

0
Social Share
  • યોજનામાં ગેરકાયદે રહેતા લોકો 3 દિવસમાં મકાન ખાલી નહીં કરે તો સીલ મરાશે
  • ઘણા લાભાર્થીઓએ મકાન લઈને બારોબાર અન્યને વેચી દીધા
  • ઘણા લાભાર્થીઓએ મકાનો લઈને ભાડે આપી દીધા

ભાવનગરઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના ઘર વિહોણા પરિવારોને રાહત દરે પીએમ આવાસ યોજના અને સીએમ આવાસ યોજના હેઠળ મકાનો ફાળવવામાં આવ્યા છે. જેમાં કેટલાક લાભાર્થીઓએ મકાનો મેળવીને બીજાને વેચી દેતા હોય છે, અથવા ભાડે આપી દેતા હોય છે. લાભાર્થીઓ નિયત કરેલા વર્ષ સુધી મકાનો કોઈને વેચી શકતા નથી અથવા તો ભાડે આપી શકતા નથી. દરમિયાન શહેરના ફુલસર શિવશક્તિ પાર્ક સામે આવેલા 2548 ઈ.ડબ્લ્યુ.એસ.1 પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી ફાઈનલ પ્લોટ નં.30માં રવિવારના રજાના દિવસે મ્યુનિના કાર્યપાલક ઈજનેર સહિત 16 કર્મચારીની ટીમ બનાવી 256 આવાસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં 104 આવાસમાં મૂળ લાભર્થી કરતા અન્ય લોકો રહેતા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે મ્યુનિએ આવાસ માલિકને નોટિસ ફટકારી ભાડૂઆતને ત્રણ દિવસમાં મકાન ખાલી કરવા સૂચના આપી છે.

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના ઘરવિહોણા કુટુંબોને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ-અલગ સ્થળો પર આવાસોના બાંધકામ કરવામાં આવ્યાં છે. આ યોજનાની ગાઈડલાઈન અને શરતો મુજબ લાભાર્થીને કબજો મળયા બાદ 7 વર્ષ સુધી આવાસ ભાડે કે વેચાણથી આપી શકતા નથી. આ આવાસ યોજનામાં ભાડૂઆતો રહેતા હોવાની ફરિયાદો આવતા 14 ડિસેમ્બરના રોજ ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફુલસર શિવશક્તિ પાર્ક સામે આવેલા 2548 ઈ.ડબ્લ્યુ.એસ.1 પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી ફાઈનલ પ્લોટ નં. 30માં 256 આવાસમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં 104 મકાનમાં મૂળ લાભાર્થીની જગ્યાએ અન્ય લોકો રહેતા હોવાનું સામે આવ્યું હતું. મ્યુનિની ટીમ દ્વારા મૂળ લાભાર્થીઓને નોટિસ આપીને ત્રણ દિવસમાં આવાસ ખાલી કરવા જણાવવામાં આવ્યું છે. જો આવાસો ખાલી કરવામાં નહિ આવે તો આવાસોને સિલિંગ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેર એમ. ડી. વઢવાણિયાએ જણાવ્યું કે, ફુલસર ફાઈનલ પ્લોટ નંબર 30 જે લગભગ પાંચથી સાડાપાંચ વર્ષ પહેલા આ મકાનો સોંપવામાં આવ્યાં છે. આવાસ યોજનામાંથી ભાડૂઆતો હોવાની ઘણી બધી વખત ફરિયાદો આવી હતી. એ અનુસંધાને રવિવારે કોઈને જાણ કર્યા વગર આવાસ ભાડૂઆતોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 16 કર્મચારીની ટીમ દ્વારા આવાસ યોજનાનું ચેકિંગ હાથ ધર્યું હતું. સ્થળ ઉપરથી મકાન વેચાણ હોવાનું અમને કહેવામાં આવ્યું છે, પણ હજુ કોઈ આધાર મળ્યો નથી. અમે સ્થળ ઉપર જ નોટિસની બજવણી કરી છે. જો ત્રણ દિવસમાં મકાન ખાલી નહીં કરે અને ભાડૂત તરીકેનું કોઈ પ્રસ્થાપિત નહીં કરે તો એમનું મકાન સિલ કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code