1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારત વિકાસ પરિષદના સુવર્ણ જ્યંતી મહોત્સવનો આરંભ
અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારત વિકાસ પરિષદના સુવર્ણ જ્યંતી મહોત્સવનો આરંભ

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારત વિકાસ પરિષદના સુવર્ણ જ્યંતી મહોત્સવનો આરંભ

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓને સમાજસેવા ક્ષેત્રે તેમના યોગદાન બદલ સન્માનિત કર્યાં હતા.આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રહિત પ્રથમની ભાવના પ્રબળ બની છે. સેવા અને સમર્પણના ભાવ દ્વારા ઉન્નત સમાજ થકી વિકસિત રાષ્ટ્રના નિર્માણની ભાવના આજે સાકાર થઈ રહી છે.

આ અંગે વાત કરતાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વમાં દુનિયામાં ભારતનું ગૌરવ અને સન્માન વધ્યું છે. સેવાભાવ, સંસ્કાર અને સેવાદાયિત્વથી પણ રાજકારણ કરી શકાય એ તેમણે સાબિત કર્યું છે. આજે દેશની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. સેવા અને સમર્પણભાવ થકી આજે સંસ્કૃતિ અને વિરાસતનું જતન થઈ રહ્યું છે. તેના દ્વારા વિકસિત અને વૈભવશાળી ભારતના નિર્માણનો પાયો નંખાઈ રહ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં ભારત વિકાસ પરિષદના યોગદાન વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આજે દેશ અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ભારત વિકાસ પરિષદ જેવી સંસ્થાઓ સરકાર અને વહીવટી તંત્રને પૂરક બનીને સમાજના દરેક વર્ગને આગળ લાવીને આગવી સમાજસેવા અને કર્તવ્યનિષ્ઠાનાં દર્શન કરાવી રહી છે. અલગ અલગ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન થકી આ સંસ્થા સમાજસેવા અને રાષ્ટ્રહિતના સંસ્કારોને વિસ્તારી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મહાકુંભના શ્રેષ્ઠ વ્યવસ્થાપનનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશ-વિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવવા મહાકુંભમાં આવે છે. મહાકુંભ થકી સમગ્ર ભારતવર્ષ દુનિયામાં આગવી એકતા, અસ્મિતા અને ગૌરવનું કેન્દ્ર બન્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં દરેક ક્ષેત્રે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’નો કાર્યમંત્ર સિદ્ધ થઈ રહ્યો છે.પટેલે ઉમેર્યું કે ૨૦૨૫નું વર્ષ સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતી, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી, અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મ જયંતીનું વર્ષ તેમજ બંધારણના અમૃત ઉત્સવની ઉજવણી કરવાનું વર્ષ છે. આથી આ વર્ષને દેશના ગૌરવને ઉજાગર કરવાના વર્ષ તરીકે ઉજવવાનો વડાપ્રધાનનો સંકલ્પ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code